Dailyhunt
ભચાઉમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મહંત ઝડપાયો : 'નો ડ્રગ્સ ઈસ્ટ કચ્છ' અભિયાન હેઠળ મોટી કાર્યવાહી

ભચાઉમાં ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે મહંત ઝડપાયો : 'નો ડ્રગ્સ ઈસ્ટ કચ્છ' અભિયાન હેઠળ મોટી કાર્યવાહી

કચ્છ, 07 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લાના ભચાઉ વિસ્તારમાં ગેરકાયદેસર માદક પદાર્થોના વિરોધમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા "No Drugs in East Kutch Campaign" અંતર્ગત વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ભચાઉ પોલીસે ગાંજાના છોડ તથા સુકા ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર અને હેરફેરને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા સઘન કામગીરી ચાલી રહી છે.

આ અભિયાન અંતર્ગત ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસને સક્રિય રીતે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

તેના અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ઝાલા અને તેમની ટીમ સતત પેટ્રોલિંગ તથા હ્યુમન સોર્સ મારફતે મળતી માહિતીના આધારે કામ કરી રહી હતી. દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી કે ગાંધીધામ હાઇવે ઉપર આઈ માતા હોટલ નજીક આવેલ હનુમાનજી મંદિર ખાતે રહેતા મહંત દ્વારા પોતાના વિસ્તારમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવી રહ્યા છે.

આ માહિતીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેઇડ હાથ ધરી. તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ ૫૯ ગાંજાના છોડ તેમજ અંદાજે ૩૧૦ ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. આ સાથે જ આરોપી પાસેથી ઓળખ માટે આધાર કાર્ડની નકલ પણ જપ્ત કરવામાં આવી હતી.

પકડાયેલા આરોપીની ઓળખ મહંત લખનગીરી ઉર્ફે મલખાનસિંહ મુનશીલાલ (ઉંમર ૬૧ વર્ષ), મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના નિવાસી અને હાલમાં ભચાઉ નજીકના હનુમાન મંદિર ખાતે પુજારી તરીકે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે જપ્ત કરાયેલા ગાંજાના છોડનું કુલ વજન આશરે ૬.૮ કિલોગ્રામ હોવાનું જણાવ્યું છે. સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા ૩.૫૫ લાખથી વધુ હોવાનું જણાવાયું છે.

આ મામલે ભચાઉ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ, ૧૯૮૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ભચાઉ પોલીસની આ સફળ કામગીરીને કારણે જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના નેટવર્ક પર મોટો ઘા લાગ્યો છે. પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ આવી જ સખત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati