
ભાવનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભડભીડ ટોલનાકા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી કુલ રૂ.64,770નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ એલ.સી.બી.નો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ-ભાવનગર નેશનલ હાઇવે પરથી અમદાવાદ તરફથી ખોડલ રાજ ટ્રાવેલ્સમાં કેટલાક ઇસમો પોતાના થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઇને આવી રહ્યા છે અને ભડભીડ ટોલનાકા ખાતે ઉતરી ભાવનગર શહેર તરફ જવાના છે. બાતમીના આધારે પોલીસે ભડભીડ ટોલનાકા ખાતે વોચ ગોઠવી હતી.
દરમિયાન બસમાંથી બે ઇસમો નીચે ઉતરતા પોલીસે તેમને અટકાવી તપાસ કરી હતી. તેમની પાસે રહેલા ચાર થેલામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 180 એમએલની કુલ 252 બોટલો તેમજ કિંગફિશર રીગલ સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 500 એમએલના 48 ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ-બિયરનો કુલ રૂ.44,770નો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત બે મોબાઇલ ફોન, કિંમત રૂ.20 હજાર, મળી કુલ રૂ.64,770નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે ઇરફાનભાઇ અયુબભાઇ મહેતર (42) અને સોહનભાઇ કુમારભાઇ ચુડાસમા (26)ને ઝડપી પાડ્યા હતા. બંને વિરુદ્ધ ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

