
ભાવનગર,02 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગરને ટેકનોલોજી અને આઈટી ક્ષેત્રે નવી ઓળખ અપાવવાના હેતુથી પ્રસ્તાવિત સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા (STPI) સેન્ટરની કામગીરીને વેગ આપવા માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભાવનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં STPI પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અને આગામી કાર્યયોજના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની ભાવનગર મુલાકાત દરમિયાન શહેરમાં આઈટી ક્ષેત્રના વિકાસ માટે STPI સેન્ટર સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ રાજ્ય સરકાર દ્વારા STPI માટે જરૂરી જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે.
સમીક્ષા બેઠક દરમિયાન STPI તેમજ ગુજરાત સરકારના આઈટી વિભાગના અધિકારીઓ સાથે પ્રોજેક્ટની કામગીરી, જરૂરી પ્રક્રિયાઓ અને આગામી તબક્કા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રોજેક્ટની કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે STPI સેન્ટર ભાવનગરને ગુજરાતના ઉભરતા ટેકનોલોજી અને આઈટી હબ તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટના અમલીકરણથી સ્થાનિક આઈટી ઈકોસિસ્ટમ મજબૂત બનશે, સ્ટાર્ટઅપ અને સંશોધન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તેમજ ભાવનગર અને આસપાસના વિસ્તારના યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
બેઠકમાં STPI ગાંધીનગરના ડાયરેક્ટર સોનલ ભટાવાડેકર, ગુજરાત સરકારના ICT અને ઈ-ગવર્નન્સ નિયામકની કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર કમલેશકુમાર પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

