Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભુજમાં એસીબીનો મોટો ટ્રેપ: રૂ.40 હજારની લાંચ લઈ PSI ફરાર, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ગુનો નોંધ્યો

ભુજમાં એસીબીનો મોટો ટ્રેપ: રૂ.40 હજારની લાંચ લઈ PSI ફરાર, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ગુનો નોંધ્યો

Hindusthan Samachar 4 months ago

કચ્છ, 07 જુલાઈ (હિ.સ.) : ભુજ શહેરમાં ભ્રષ્ટાચાર સામે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાયોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ લાંચ માંગવાનો ગંભીર આક્ષેપ સામે આવતા એસીબીએ ટ્રેપ ગોઠવ્યો હતો. કાર્યવાહી દરમિયાન આરોપી અધિકારીએ ફરિયાદી પાસેથી રૂ.

40 હજારની લાંચ સ્વીકારી હોવાનું સામે આવ્યું, પરંતુ સ્થળ પર જ શંકા જતાં તે રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જાગી છે.

મળતી માહિતી અનુસાર, જાગૃત નાગરિક તરીકે ઓળખ આપવામાં આવેલા ફરિયાદી વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશનમાં અગાઉ એક ગુનો નોંધાયો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે તે કેસમાં હેરાનગતિ ન થાય તેમજ તેમની ફેક્ટરી કોઈ વિઘ્ન વિના ચાલુ રહે તે માટે સંબંધિત પોલીસ અધિકારીએ રૂ. 50 હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે રાજ્ય સરકારના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ લાંચ રુશ્વત વિરોધી બ્યુરોને કરી હતી.

ફરિયાદના આધારે ગાંધીધામ એસીબીની ટીમે સંપૂર્ણ આયોજન સાથે ટ્રેપ ગોઠવ્યો હતો. કાર્યવાહી દરમિયાન બંને પક્ષો વચ્ચે થયેલી વાતચીત બાદ લાંચની રકમ રૂ. 50 હજારથી ઘટાડીને રૂ. 40 હજાર નક્કી કરવામાં આવી હતી. નક્કી કરાયેલા સ્થળે, ભુજના ગાયત્રી મંદિરના ગેટ નજીક ફરિયાદીએ આરોપીને રૂ. 40 હજાર આપ્યા હતા. એસીબીની ટીમ આરોપીને રંગેહાથ ઝડપી પાડવા માટે સતર્ક હતી, પરંતુ આરોપીને કોઈ પ્રકારની શંકા જતાં તેણે ફરિયાદી પાસેથી લાંચની રકમ લઈને સ્થળ પરથી ફરાર થઈ જવાનો પ્રયાસ કર્યો અને ભાગી છૂટ્યો હતો.

આ સમગ્ર ઘટનાના આધારે એસીબીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીની શોધખોળ માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને તેને ઝડપવા માટે ટીમો સક્રિય બની છે.

આ ટ્રેપની કામગીરી કચ્છ (પૂર્વ) એસીબી પોલીસ સ્ટેશન ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન પર બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલે સુપરવિઝન રાખ્યું હતું, જ્યારે રાજકોટના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ભ્રષ્ટાચાર સામે એસીબી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ફરી એકવાર એ સંદેશ આપે છે કે સરકારી ફરજ દરમિયાન ગેરકાયદેસર લાભ મેળવવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ કાયદાની પકડમાંથી બચી શકશે નહીં. સાથે જ એસીબીએ નાગરિકોને પણ અપીલ કરી છે કે જો કોઈ સરકારી કર્મચારી અથવા અધિકારી લાંચની માંગણી કરે તો નિર્ભયપણે ટોલ ફ્રી નંબર 1064 પર જાણ કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં સહભાગી બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati