Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બોટાદમાં ઉમિયા મહિલા સંગઠનની બહેનોએ પોલીસકર્મીઓને બાંધી રાખડી, ભાઈ-બહેનના સ્નેહનું અનોખું ઉદાહરણ

બોટાદમાં ઉમિયા મહિલા સંગઠનની બહેનોએ પોલીસકર્મીઓને બાંધી રાખડી, ભાઈ-બહેનના સ્નેહનું અનોખું ઉદાહરણ

બોટાદ,28 ઓગસ્ટ (હિ.સ.) રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બોટાદ શહેરમાં ઉમિયા મહિલા સંગઠનની બહેનોએ અનોખી પહેલ કરી પોલીસકર્મીઓ સાથે ભાઈ-બહેનના સ્નેહનો તહેવાર ઉજવ્યો હતો. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સંગઠનની બહેનો પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને રાખડી બાંધવા માટે પહોંચી હતી.

પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ નાગરિકોની સુરક્ષાની ફરજમાં સતત વ્યસ્ત રહેતા હોય છે.

ભાગદોડભરી નોકરીના કારણે અનેક પોલીસકર્મીઓ રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પર પણ પોતાના પરિવાર અને બહેનો સાથે તહેવારની ઉજવણી કરી શકતા નથી. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉમિયા મહિલા સંગઠનની બહેનોએ પોલીસકર્મીઓને પોતાના ભાઈ સમાન માની તેમના કાંડા પર રાખડી બાંધી હતી.

આ પ્રસંગે બહેનોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સદાય ફરજ પ્રત્યે અગ્રેસર રહી નાગરિકોની સેવા અને સુરક્ષા કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સલામતી અને સફળતા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.

પોલીસકર્મીઓ સમાજના રક્ષણ માટે દિવસ-રાત ફરજ બજાવતા હોય છે ત્યારે તેમના તહેવારમાં સહભાગી બની ઉમિયા મહિલા સંગઠનની બહેનોએ લાગણીસભર વાતાવરણ સર્જ્યું હતું. રાખડી બાંધતી વખતે બહેનોમાં પણ ભાઈ પ્રત્યેના સ્નેહની લાગણી જોવા મળી હતી.

આ ભાવસભર પ્રસંગ બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉમિયા મહિલા સંગઠનની તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રક્ષાબંધનના પર્વે યોજાયેલી આ પહેલે પોલીસ અને સમાજ વચ્ચેના સ્નેહ, વિશ્વાસ તથા ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati