




કરોડો રૂપિયાના ખર્ચે બનેલા એક્સ્પ્રેસ હાઈવેના ખસ્તા હાલતથી કામગીરી પર ઉઠ્યા સવાલો
સ્લેબ તૂટી જતાં અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાતા બાંધકામની ગુણવત્તા અંગે ચર્ચા
ઉબડખાબડ હોવાથી કોઈપણ વાહન ચલાવવામા ઉછળ કૂદ કરે છે જેને લઈ ઘણી વાર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવે છે
ભરૂચ 02 જુલાઈ (હિ.સ.)
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અંકલેશ્વરના પીલુદરા ગામ નજીક 7 થી 8 ફૂટ મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
બીજી તરફ કોંક્રિટનો સ્લેબ પણ તૂટી જતા અંદરના સળિયા નજરે પડ્યા હતા જેના પગલે હાઈવેના માર્ગના કામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.
અંકલેશ્વરના અડોલ-પીલુદરા વચ્ચે આવેલા દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર મોટી દુર્ઘટના સમાન સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે, 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જતાં વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન થયું છે, જેના કારણે બ્રિજની મજબૂતી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્લેબ તૂટી જતાં અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાતા હતા, જે બાંધકામની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી રહ્યા છે.ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી.
કરોડો રૂપિયાના ખર્ચે બનેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે નંબર 4 ઉપર જો પહેલા વરસાદમાજ આવા ગાબડા પડી જતા હોય તો આવનાર સમયમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે એક શંકા ઉપજાવે તેમ છે.બીજું આ એક્ષપ્રેસ હાઈવે પર શરૂઆતથી ઉબડખાબડ હોવાથી કોઈપણ વાહન ચલાવવામા ઉછળ કૂદ કરે છે જેને લઈ ઘણી વાર સ્ટેરીંગ પરનો કાબુ ચાલક ગુમાવે છે અને અકસ્માતને આમંત્રણ મળી જાય છે.સૌથી મહત્વનું તો તેનો ટોલ ટેક્સ છે અધધ 250 રૂપિયાથી પણ વધુનો ટોલ ટેક્સ ભર્યા પછી પણ સુરક્ષા નહી .નીતિન ગડકરીના આગમન વખતે લક્ઝરી કારની અંદર પાણી ભરેલો ગ્લાસ મૂકી તપાસ કરાઈ હતી પરંતુ તે તો જાણે સાવ ખોટો વિડિઓ હોય તેવું પુરવાર હાલ થઈ રહ્યું છે.
ગાબડું પડી જતા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.સ્થાનિકોમાં માર્ગના નિર્માણ કાર્યમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાને લઈને જવાબદારી અને કારણો અંગે પૂછવામાં આવતા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.આ અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હાઇવે ઓથટોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

