
વડોદરા,01 સપ્ટેમ્બર (હિ.સ.) મોડી રાત્રે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના પાદરા નજીક સરસવણી ગામ પાસે ટેલર અને એલપીજી ભરેલા ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર બાદ ગેસ ટેન્કર સંતુલન ગુમાવીને હાઈવે પર પલટી મારી ગયું હતું. આ ઘટનાના કારણે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. અને રાતથી જ એક્સપ્રેસ-વેને વન-વે કરી દેવાયો છે.
અકસ્માતના કલાકો બાદ પણ કંપની દ્વારા એલપીજી ભરેલા ગેસ ટેન્કરને હટાવવામાં આવ્યું નથી.
ગેસ ગળતર કે આગ જેવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કરજણ અને પાદરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટી તંત્ર અને સુરક્ષા દળોએ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને ટેન્કરને સુરક્ષિત રાખવા માટે ફાયર ફાઈટર્સને ઘટનાસ્થળે સ્ટેન્ડ બાય રાખ્યા છે.
આ દુર્ઘટના અંગે ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી. તો કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અંદાજીત 2 કલાકમાં પલટી ગયેલા ટેન્કરમાંથી એલપીજી ગેસને અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરવાની ટેકનિકલ કામગીરી શરૂ કરવામાં આવશે. ગેસ ટ્રાન્સફરની પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પાર પડે તે માટે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ સતત કાર્યરત છે. પરંતુ આ અકસ્માતના 12 કલાકથી વધુનો સમય છતાં જીવતા બોમ્બ સમાન આ ટેન્કરને કંપની દ્વારા ઘટનાસ્થળેથી હટાવવામાં આવ્યું નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

