Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દિવ્યાંગ બાળકો માટે દ્વારકાધીશ દર્શન સાથે શૈક્ષણિક પ્રવાસનું આયોજન

દિવ્યાંગ બાળકો માટે દ્વારકાધીશ દર્શન સાથે શૈક્ષણિક પ્રવાસનું આયોજન

સોમનાથ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકો માટે દ્વારકા ખાતે એક દિવસીય શૈક્ષણિક અને આનંદપ્રદ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનું આયોજન સંસ્થાના દાતા ડૉ. અનિલ વાજા, ડૉ. અંકિતા કામળીયા તથા તેમના પરિવારના ઉદાર સહયોગ અને સેવાભાવથી કરવામાં આવ્યું હતું.

પ્રવાસ દરમિયાન દિવ્યાંગ બાળકોએ જગત મંદિર, દ્વારકાધીશ ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દ્વારકા અને તેની આસપાસના વિવિધ સ્થળોની મુલાકાત લઈ બાળકોને સ્થળ, ધાર્મિક વારસો, સ્થાનિક પર્યાવરણ, સામાજિક જીવન તથા ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતો અંગે પ્રત્યક્ષ અનુભવ દ્વારા શૈક્ષણિક સમજ આપવામાં આવી હતી.

આ પ્રવાસનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને માત્ર પ્રવાસનો આનંદ કરાવવાનો નહોતો, પરંતુ તેમના માટે અનુભવ આધારિત શિક્ષણ (Experiential Learning) દ્વારા નવી જગ્યાઓ, લોકો અને પરિસ્થિતિઓનો પરિચય કરાવવાનો હતો. વર્ગખંડની બહારના વાતાવરણમાં બાળકોને વિવિધ બાબતોનું અવલોકન કરવાની, પ્રશ્નો પૂછવાની, સામાજિક વ્યવહાર શીખવાની અને પોતાની આસપાસની દુનિયાને સમજવાની તક મળી હતી.

પ્રવાસ દરમિયાન બાળકોમાં ભારે ઉમંગ, ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. બાળકો માટે આ પ્રવાસ તેમના રોજિંદા જીવનથી અલગ એક નવીન અનુભવ બની રહ્યો હતો. આવા પ્રવાસો દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ, સામાજિક કૌશલ્ય, સ્વાવલંબન, સંવાદક્ષમતા અને નવી પરિસ્થિતિમાં અનુકૂલન કરવાની ક્ષમતા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દાતા ડૉ. અનિલ વાજા, ડૉ. અંકિતા કામળીયા તથા તેમના પરિવાર દ્વારા પ્રવાસ દરમિયાન બાળકો માટે સ્નેહભર્યું સ્વાગત, ભોજન, પરિવહન તથા અન્ય જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના આ સેવાભાવી અભિગમ અને ઉદાર સહયોગ બદલ જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, "દિવ્યાંગ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે શિક્ષણની સાથે આવા શૈક્ષણિક, સાંસ્કૃતિક અને અનુભવ આધારિત પ્રવાસો પણ અત્યંત જરૂરી છે. દાતાશ્રીઓ અને સમાજના સંવેદનશીલ લોકોના સહયોગથી બાળકોના જીવનમાં આનંદ સાથે નવી શીખવાની તકો ઊભી કરી શકાય છે."

આ સમગ્ર પ્રવાસ દરમિયાન દિવ્યાંગ બાળકો, શિક્ષકો, સંસ્થાના કાર્યકરો અને પરિવારજનો વચ્ચે આનંદ તથા આત્મીયતાનું વાતાવરણ સર્જાયું હતું. પ્રવાસની વિવિધ ક્ષણોએ બાળકો માટે યાદગાર સંભારણું અને શૈક્ષણિક અનુભવ ઊભો કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati