
હુગલી, નવી દિલ્હી,02 જુલાઈ (હિ.સ.) ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી પ્રસંગે, પશ્ચિમ બંગાળ સરકારે તેમના પૈતૃક ગામ જીરાટ (બલાગઢ)માં 125 ફૂટ ઊંચી, ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની યોજના બનાવી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અંદાજે 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પ્રતિમા સાથે મ્યુઝિયમ, ઓડિટોરિયમ તથા પુસ્તકાલયના આધુનિકીકરણનું કાર્ય પણ કરવામાં આવશે.
પ્રશાસનિક અધિકારીઓએ પ્રોજેક્ટ માટે, ત્રણ સંભવિત સ્થળોનું નિરીક્ષણ કર્યું છે. પ્રસ્તાવિત મિની બંદરગાહ પ્રોજેક્ટ બાદ, હવે જીરાટને નવી ઓળખ અપાવવા દિશામાં આ યોજના મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બલાગઢની ધારાસભ્ય અને રાજ્ય મંત્રી સુમના સરકારે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના વંશજો સાથે, અસામ લિંક રોડ સહિત અનેક સ્થળોની મુલાકાત લીધી. હાલ, જીરાટ બસ સ્ટેન્ડ અને અસામ લિંક રોડની આસપાસ પ્રતિમા નિર્માણ માટે યોગ્ય જમીનની પસંદગી કરવામાં આવી રહી છે.
પ્રોજેક્ટ હેઠળ સર આશુતોષ મુખર્જી દ્વારા સ્થાપિત, શાળા અને પુસ્તકાલયના જીર્ણોદ્ધારનો પણ પ્રસ્તાવ છે. ઉપરાંત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના નામે એક નવા પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવશે. તેમના ભાઈ બામા પ્રસાદ મુખર્જીના પૈતૃક ઘરને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની યોજના છે. સાથે જ જીરાટ હોસ્પિટલનું નામ બદલવાનો પ્રસ્તાવ પણ વિચારાધીન છે.
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના વંશજ, બાણી પ્રસાદ મુખર્જી અને તેમની પૌત્રી દીપાન્વિતા મુખર્જીએ રાજ્ય સરકારની આ પહેલનું સ્વાગત કરતાં તમામ શક્ય સહયોગની ખાતરી આપી છે.
બાણી પ્રસાદ મુખર્જીએ કહ્યું કે, અમને માહિતી મળી છે કે, સરકાર અમારા પૈતૃક ઘરની અધિગ્રહણ કરીને ત્યાં મ્યુઝિયમ બનાવશે. અમે આ કાર્યમાં શક્ય તેટલો સહયોગ આપવા માટે તૈયાર છીએ.
દીપાન્વિતા મુખર્જીએ કહ્યું કે, આશુતોષ મુખર્જી અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો ઇતિહાસ જીરાટ-બલાગઢમાંથી મિટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે સરકારે જે નવી પહેલ કરી છે, તેમાં અમારો પૂર્ણ સહયોગ રહેશે.
ધારાસભ્ય અને રાજ્ય મંત્રી સુમના સરકારે જણાવ્યું કે, મુખર્જી પરિવારના સભ્યો સાથે વાતચીત થઈ ચૂકી છે અને તેમની સંપત્તિઓના સરકારી અધિગ્રહણની પ્રક્રિયા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે બામા પ્રસાદ મુખર્જીના ઘરને મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના પૈતૃક નિવાસના વિકાસનું વચન આપ્યું હતું. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ હવે તે વચનને મૂર્ત સ્વરૂપ આપવાની દિશામાં સરકારે પહેલ શરૂ કરી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / ધનંજય પાંડે / સંતોષ મધુપ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

