Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગાગડિયો નદીમાં પૂરથી લાઠી પંથક પ્રભાવિત, ગારિયાધાર-અમરેલી સ્ટેટ હાઈવે સહિત અનેક માર્ગો બંધ

ગાગડિયો નદીમાં પૂરથી લાઠી પંથક પ્રભાવિત, ગારિયાધાર-અમરેલી સ્ટેટ હાઈવે સહિત અનેક માર્ગો બંધ

અમરેલી, 07 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ગાગડિયો નદીમાં પૂર આવ્યું છે. નદીના પાણી રોડ પર ફરી વળતાં ગારિયાધાર-અમરેલી સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. પાણીનો પ્રવાહ વધતાં અનેક ગામો વચ્ચેનો સંપર્ક પણ ખોરવાઈ ગયો છે.

નાના લીલીયા ચોકડી અને ક્રાંકચ ગામ વચ્ચે માર્ગ પર ગાગડિયો નદીના પાણી ફરી વળતાં વાહનચાલકોને અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઉપરાંત ટિબડીથી ભોરીંગડા જવાનો માર્ગ, કૂતાણાથી ભોરીંગડા જવાનો માર્ગ તેમજ કૂતાણાથી સનાલિયા ગામ જવાનો માર્ગ પણ પાણી ભરાવાને કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.

સનાલિયા ગામ નજીક પણ ગાગડિયો નદીમાં પૂર આવતા આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતાં હજારો વિઘા ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. વરસાદી પાણીના કારણે ખેડૂતોને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટિબડી ગામ તરફ જવાના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકોને જરૂરી હોય ત્યારે જ ઘર બહાર નીકળવાની અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે.

વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. વરસાદ યથાવત રહે તો વધુ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી લોકોને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati