Dailyhunt
ગરમીના કારણે શાળાના સમયમાં ફેરફાર, વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલી રજા

ગરમીના કારણે શાળાના સમયમાં ફેરફાર, વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલી રજા

અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન સાથે વિદ્યાર્થીઓ પર પણ અસર પડી રહી છે. આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લામાં પ્રાથમિક શાળાઓના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓને બપોરે ૧૨:૩૦ વાગ્યાના બદલે ૧૨:૦૦ વાગ્યે જ રજા આપવામાં આવશે.

સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનાથી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવામાં આવે છે, પરંતુ આ વર્ષે શાળાઓમાંથી છૂટવાનો સમય બપોરે ૧૨:૩૦ વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. જોકે વધતી ગરમીને કારણે ભરબપોરે નાના બાળકોને ઘરે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી હતી.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સંઘના અગ્રણીઓએ વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને શાળાના સમયમાં ઘટાડો કરવાની માંગ ઉઠાવી હતી.

આ રજૂઆતને ગંભીરતાથી લઈ શિક્ષણ સમિતિએ તાત્કાલિક નિર્ણય લીધો અને વિદ્યાર્થીઓને રાહત મળે તે માટે અડધો કલાક વહેલી રજા આપવાનો નિર્ણય અમલમાં મુક્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati