Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ગાયત્રી વિદ્યા નિકેતન શાળામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી

ગાયત્રી વિદ્યા નિકેતન શાળામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી

સોમનાથ,2 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનાર તાલુકામાં આવેલ ગાયત્રી વિદ્યા નિકેતન શાળામાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી વિદ્યા નિકેતન શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર અને ભવ્ય રીતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર શાળા પરિસર કૃષ્ણમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનો તેમજ પૂર્વ શિક્ષકગણના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના નાના ભૂલકાઓથી લઈને ધોરણ-8 ના વિદ્યાર્થીઓએ ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને સંદેશને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતોને ઉપસ્થિત સૌએ ઉત્સાહભેર વધાવી હતી.

કાર્યક્રમ દરમિયાન "નંદ ઘેર આનંદ ભયો" અને "જય કનૈયાલાલ કીના જયઘોષ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોમાં પણ આ પ્રસંગે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બે વર્ષીય બાળક શ્યામ કાટેલિયા'નું કાનુડાના સ્વરૂપમાં થયેલું રૂપ હતું. નાનકડા કાનુડાના મનમોહક સ્વરૂપે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દેવેન્દ્ર ડોડીયા, ગોપાલવાળા, જે.કે. મેર, રવિ બારૈયા, જય ડોડીયા અને પ્રદીપ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના સ્ટાફ બહેનો સોનલ સિદ્ધપૂરા તથા સાધનાબેન વાંઝા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર જન્માષ્ટમી મહોત્સવને સફળ બનાવવા માટે શાળાના સંચાલક ગીતાબેન ડોડીયા સહિત શાળા પરિવાર દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક રજૂઆતો, કાનુડાના વેશમાં સજ્જ નાનકડા બાળક અને મટકી ફોડના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે યોજાયેલ આ જન્માષ્ટમી મહોત્સવ સૌ માટે આનંદ અને આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati