
જામનગર, 02 જુલાઈ (હિ.સ.) :જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામે ઘરેલુ મામલે થયેલા ઝઘડામાં પત્ની અને સસરાએ મળીને, એક યુવક પર હુમલો કરી લાકડી અને કુહાડી વડે ઈજા પહોંચાડ્યાની ફરિયાદના આધારે, જોડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બાલંભા ગામના શાંતિનગર વિસ્તારમાં રહેતા શબીરભાઈ હાજીભાઈ કટીયા, પોતાના ઘર અને ફળિયાની સફાઈ કરી રહ્યા હતા.
તે દરમિયાન તેમની માતા ઘરે આવતાં તેમણે ચા બાબતે પૂછપરછ કરી હતી. આ બાબત પત્ની ખાતુનબેનને ન ગમતાં, બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં ખાતુનબેને ઉશ્કેરાઈ શબીરભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો, તેમજ ફળિયામાં પડેલી લાકડી વડે તેમના ખભા અને જમણા હાથના ભાગે માર મારી ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દરમિયાન ઝઘડાની જાણ થતાં બાજુમાં રહેતા શબીરભાઈના સસરા કિશોરપરી મોહનપરી પણ ત્યાં પહોંચી ગયા હતા. ફરિયાદ મુજબ તેમણે પોતાના હાથમાં રહેલી કુહાડી વડે શબીરભાઈના માથાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત બંને આરોપીઓએ ભુંડી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 115(2), 118(1), 351, 352(3), 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

