Dailyhunt
જામનગર જિલ્લાના પશુપાલકો માટે હીટ વેવ સામે રક્ષણ મેળવવા તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

જામનગર જિલ્લાના પશુપાલકો માટે હીટ વેવ સામે રક્ષણ મેળવવા તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

જામનગર, 07 એપ્રિલ (હિ.સ.) : હાલના ઉનાળુ તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાને રાખીને જામનગર જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક દ્વારા પશુપાલકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં ગ્રીષ્મ લહેર એટલે કે હીટ વેવ દરમિયાન પશુઓના આરોગ્યનું રક્ષણ કરવા અને જરૂરી સાવધાનીના પગલાં લેવા જણાવાયું છે.

ગ્રીષ્મ લહેર એ વાતાવરણની એવી સ્થિતિ છે જેમાં સતત બે કે તેથી વધુ દિવસો સુધી તાપમાન ૨૫° સેલ્સિયસથી વધુ રહેતા પશુઓમાં શારીરિક તાણ ઉત્પન્ન થાય છે, જે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ખાસ કરીને નાના બચ્ચાઓ, ઘાટા રંગના પશુઓ, બીમાર પશુઓ, ગાભણ તથા દૂધાળા પશુઓ તેમજ વધુ દૂધ ઉત્પાદન ધરાવતા અને વજનદાર પશુઓ હીટ વેવ સામે વધુ સંવેદનશીલ હોય છે, તેથી તેમની વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે.

ગરમીના મુખ્ય લક્ષણોમાં પશુઓમાં સુસ્તી, સૂકું નાક, નબળાઈ, ધ્રુજારી, વધુ પડતું પાણી પીવું, ભૂખ ન લાગવી તેમજ જીભ બહાર કાઢીને હાંફવા જેવા ચિહ્નો જોવા મળે છે, જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

ઉનાળાની આડઅસરો સામે પશુઓને રક્ષણ આપવા માટે પશુપાલકોએ કેટલાક પાયાના પગલાં ભરવા જરૂરી છે, જેમાં પશુઓને સવારે ૧૧ થી સાંજે ૪ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફરજિયાત છાંયડા અને પૂરતા હવાઉજાસવાળા સ્થળે રાખવા જોઈએ. પશુઓને સામાન્ય કરતા બમણું અને પુષ્કળ પ્રમાણમાં તાજું તથા સ્વચ્છ પાણી પીવડાવવું જોઈએ તેમજ દિવસના ઠંડા સમયે જ ચરાવવા કે ખોરાક આપવો હિતાવહ છે.

ખોરાકમાં લીલોચારો અને મિનરલ મિક્ચરનો ઉપયોગ વધારવો જોઈએ તથા પશુઓના રહેઠાણના શેડમાં વેન્ટિલેશન, ભીના કોથળા, પંખા કે ફોગિંગની વ્યવસ્થા કરવી જોઈએ. આ ઉપરાંત દિવસમાં ઓછામાં ઓછી એક વાર પશુઓને સ્નાન કરાવવું જોઈએ જેથી તેમના શરીરનું તાપમાન જળવાઈ રહે.

પશુઓમાં જોવા મળતી ગરમીની વિવિધ અસરો જેવી કે તડકાથી દાઝવું, સ્નાયુઓની ખેંચ, થાક કે હીટ સ્ટ્રોક જેવી સ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી ખૂબ જ જરૂરી છે. જો પશુની ત્વચા લાલ થાય કે સોજો આવે તો પાણીનો છંટકાવ કરી એન્ટીસેપ્ટીક ડ્રેસિંગ કરવું જોઈએ અને જો પશુ હાંફતું હોય કે તેના ધબકારા વધી ગયા હોય તો તેને તાત્કાલિક ઠંડા સ્થળે લઈ જઈ શરીર પર ઠંડુ પાણી નાખવું જોઈએ. પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરી પશુઓના આરોગ્યનું જતન કરવું અને જો કોઈ ગંભીર મુશ્કેલી જણાય તો તુરંત જ નજીકના પશુ દવાખાના અથવા પશુચિકિત્સકનો સંપર્ક કરવો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati