Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર-લાલપુર હાઈવે ઉપર ચેલા ગામ નજીક ત્રિપલ અકસ્માત : ત્રણના મૃત્યુ, 7 ઈજાગ્રસ્ત

જામનગર-લાલપુર હાઈવે ઉપર ચેલા ગામ નજીક ત્રિપલ અકસ્માત : ત્રણના મૃત્યુ, 7 ઈજાગ્રસ્ત

જામનગર, 31 ઓગસ્ટ (હિ.સ.) જામનગર-લાલપુર હાઇવે પર સર્જાયેલા એક દર્દનાક ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે બે મહિલાઓ અને પાંચ બાળકો સહિત કુલ સાત લોકો ગંભીર રીતે ઘવાયા છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે સોમવારે મોડી રાતે જામનગરના લાલપુર નજીક આવેલા પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા ચંગા રોડ વિસ્તારમાં દર્શનાર્થીઓની ભારે અવરજવર વચ્ચે એક કાર, ઓટોરિક્ષા અને બાઇક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી.

આ ત્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય વાહનોનો કચડઘાણ વળી ગયો હતો અને વાહનોનો બુકડો બોલી ગયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં રિક્ષાચાલક 60 વર્ષીય ગુલાબ બારોટ તેમજ બાઇક પર સવાર જામનગરના બે યુવાનો નવીન પઠાણ અને નોમન સમાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

અકસ્માતની આ ઘટનામાં રિક્ષામાં સવાર અન્ય શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 40 વર્ષીય ધારાબહેન બારોટ, 11 વર્ષીય આશી બારોટ, 10 વર્ષીય અંજલી મોખરા, 10 વર્ષીય ક્રિશ મોખરા, 55 વર્ષીય ચંદ્રિકાબહેન મોખરા, 13 વર્ષીય દર્શન બારોટ અને 15 વર્ષીય પરમ રાજેશનો સમાવેશ થાય છે. દુર્ઘટના સર્જાતા જ આસપાસના સેવા કેમ્પના યુવાનો મદદ માટે દોડી આવ્યા હતા.

બનાવની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની 3 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિકો અને 108ની ટીમ દ્વારા તમામ ઘાયલોને ત્વરિત અસરથી સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગેની માહિતી મળતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા અને અકસ્માત અંગે કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati