
જુનાગઢ, 07 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં થયેલા વરસાદના કારણે માંગરોળ, મેંદરડા, માળીયાહાટીના, અને કેશોદ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક અને સઘન આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે મેડિકલ અને પેરામેડિકલ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સેવાઓ આપવામાં આવી રહી છે.
અસરગ્રસ્ત તાલુકાના ગામોમાં મેડિકલ ઓફિસર (MO) અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) દ્વારા ઓપીડી (OPD) ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લામાં ૭૭ મેડિકલ કેમ્પ યોજીને ૧,૫૪૧ દર્દીઓને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી છે. તદુપરાંત, આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આજે ૧,૨૮,૩૯૨ જેટલી વસ્તીનો હાઉસ-ટુ-હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન સામાન્ય તાવના ૩૭૬, ઝાડાના ૫૫, ઝાડા-ઉલટીનો ૧ તેમજ શરદી-ખાંસીના ૫૮૮ દર્દીઓ મળી આવતા તેમને સ્થળ પર જ પ્રાથમિક દવાઓ આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા આપત્તિના સમયે સગર્ભા માતાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. આશા (ASHA) અને ફીમેલ હેલ્થ વર્કર્સ (FHW) દ્વારા આજરોજ ૧,૩૮૭ સગર્ભા બહેનોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. પ્રસુતિની નજીકનો સમય (Near EDD) ધરાવતી ૦૯ સગર્ભા માતાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી છે, જેમાંથી ૩ ને સરકારી હોસ્પિટલ, ૨ ને પ્રાઇવેટ હોસ્પિટલ અને ૪ સગર્ભા બહેનોને તેમના સગા-સંબંધીઓને ત્યાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરાયા છે.
પાણીજન્ય અને વાહકજન્ય રોગો અટકાવવા માટે ગ્રામ પંચાયતોને સુપર ક્લોરિનેશન કરવા તાકીદ કરાઈ છે, જેનું આરોગ્ય કર્મચારીઓ દ્વારા નિયમિત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે ૧૦,૦૫૦ ક્લોરીન ટેબ્લેટ અને ૧૧૨ ORS પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ તમામ ગામોમાં પોરાનાશક કામગીરી (એન્ટી-લાર્વલ), પોરાભક્ષક માછલીઓનું વિતરણ અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી વેગવંતી કરાઈ છે.
આ સમગ્ર આરોગ્યલક્ષી કામગીરીનું તાલુકા હેલ્થ ઓફિસર (THO), મેડિકલ ઓફિસર અને સુપરવાઈઝર્સ દ્વારા સીધું મોનિટરિંગ અને સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ ફોન નંબર: ૦૨૮૫-૨૬૩૩૧૩૧ સક્રિય કરવામાં આવ્યો છે.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને જનજાગૃતિ (IEC) અંતર્ગત સ્વચ્છ અને ક્લોરીનયુક્ત પાણી પીવા, વાસી કે ખુલ્લો ખોરાક ન ખાવા અને ઝાડા-ઉલટીના કિસ્સામાં તુરંત ORS નો ઉપયોગ કરી નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જાગૃતી લાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

