Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

જૂનાગઢ પોસ્ટલ ડિવિઝનમાં PLI અને RPLI એજન્ટોની ભરતી માટે વોક-ઈન ઈન્ટરવ્યૂ યોજાશે

જૂનાગઢ, 04 જુલાઈ (હિ.સ.) ભારતીય ટપાલ વિભાગના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસની કચેરી, જૂનાગઢ ડિવિઝન દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI) તથા રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (RPLI) પ્રોડક્ટ્સના વેચાણ માટે એજન્ટ તરીકે એમ્પેનલમેન્ટ અને નવી નિયુક્તિ કરવાના હેતુસર વોક-ઈન ઈન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઈન્ટરવ્યૂ આગામી તારીખ ૧૩.૦૭.૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦0 વાગ્યાથી સાંજે ૦૫:૦0 વાગ્યા સુધી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડિવિઝન, ચોથો માળ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. રસ ધરાવતા અને નિર્ધારિત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને આ ઈન્ટરવ્યૂમાં નિયત સમયે હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.

આ એજન્સી માટેની લાયકાતમાં ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ ૧૦ પાસ હોવો જોઈએ અને તેની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. આ ભરતી પ્રક્રિયામાં ભૂતપૂર્વ લાઈફ એડવાઈઝરો, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળના સભ્યો, સ્વસહાય જૂથ (SHG) ના સભ્યો, ભૂતપૂર્વ સૈનિકો, નિવૃત્ત શિક્ષકો તેમજ બેરોજગાર કે સ્વરોજગાર ધરાવતા તમામ યુવાનો અને લાયકાત ધરાવતી કોઈપણ ઈચ્છુક વ્યક્તિ ભાગ લઈ શકે છે. ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સના વેચાણનો અનુભવ, કોમ્પ્યુટરનું જ્ઞાન અને સ્થાનિક વિસ્તારની ભૌગોલિક સ્થિતિની સારી ઓળખ ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

ઈન્ટરવ્યૂમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના બાયો-ડેટા સાથે જન્મ તારીખનું પ્રમાણપત્ર (ઉંમરનો પુરાવો), શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ, જરૂરી અન્ય પ્રમાણપત્રો કે અનુભવના દાખલા (જો લાગુ પડતા હોય તો) તથા બે પાસપોર્ટ સાઈઝના તાજા ફોટોગ્રાફ જેવા તમામ અસલ દસ્તાવેજો અને તેની સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલોનો સેટ સાથે લાવવાનો રહેશે.

હાલમાં અન્ય કોઈપણ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હોય તેવા એજન્ટો આ PLI/RPLI એજન્સી માટે પાત્ર ગણાશે નહીં. વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ભરતી પ્રક્રિયા માત્ર કમિશન આધારિત એજન્ટની નિયુક્તિ માટે છે અને આ કોઈ સરકારી કાયમી નોકરી માટેની પ્રક્રિયા નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati