Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખિસકોલી સર્કલ પર ટ્રાફિક જામ: બિસ્માર રસ્તાઓએ વધારી મુશ્કેલી, સ્માર્ટ સિટીના દાવાઓ સામે ઉઠ્યા સવાલ

ખિસકોલી સર્કલ પર ટ્રાફિક જામ: બિસ્માર રસ્તાઓએ વધારી મુશ્કેલી, સ્માર્ટ સિટીના દાવાઓ સામે ઉઠ્યા સવાલ

Hindusthan Samachar 4 months ago

વડોદરા,07 જુલાઈ (હિ.સ.) વડોદરા: સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વડોદરા શહેરના વ્યસ્ત ખિસકોલી સર્કલ પર આજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બિસ્માર રસ્તાઓ, મોટા ખાડાઓ અને વરસાદ બાદ સર્જાયેલી ખરાબ સ્થિતિને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ અન્ય વાહનચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા હતા.

રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનો ધીમી ગતિએ પસાર થતાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી. અનેક વાહનચાલકોએ ખાડાઓ બચાવવાના પ્રયાસમાં જોખમી રીતે વાહનો ચલાવવા પડ્યા, જેના કારણે અકસ્માતની આશંકા પણ વધી ગઈ હતી.

ચોમાસાની શરૂઆતમાં જ શહેરના રસ્તાઓની હાલત બગડતાં વડોદરા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને માર્ગ જાળવણી અંગે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ પડતાં જ રસ્તાઓ બિસ્માર બની જાય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી.

સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ તાત્કાલિક રસ્તાઓનું સમારકામ, ખાડાઓનું પેચવર્ક અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ખિસકોલી સર્કલ શહેરનો મહત્વનો ટ્રાફિક જંક્શન હોવાથી અહીં રસ્તાઓની યોગ્ય જાળવણી અત્યંત જરૂરી છે.

વરસાદી મોસમની શરૂઆતમાં જ શહેરના માર્ગોની દયનીય હાલત સામે આવતાં સ્માર્ટ સિટીના વિકાસના દાવાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. હવે લોકોની નજર તંત્ર પર છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે છે કે પછી વાહનચાલકોને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati