Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહેર સંત શિરોમણી માલદેવબાપુની 142મી જન્મજયંતી શ્રદ્ધાભેર ઉજવાઈ

મહેર સંત શિરોમણી માલદેવબાપુની 142મી જન્મજયંતી શ્રદ્ધાભેર ઉજવાઈ

પોરબંદર, 05 ઓગસ્ટ (હિ.સ.) : મહેર સંત શિરોમણી અને મહેર સમાજના મહાન સમાજ સુધારક માલદેવ બાપુની 142મી જન્મજયંતી નિમિત્તે પોરબંદરમાં સમસ્ત મહેર સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રદ્ધા અને ઉત્સાહભર્યા માહોલમાં સમાજના આગેવાનો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

કાર્યક્રમની શરૂઆત હરીશ ટોકીઝ પાસે આવેલી માલદેવ બાપુની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઝુંડાળા મહેર સમાજ ખાતે પણ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ઝુંડાળા મહેર સમાજના પ્રમુખ બાબુ બોખીરીયાએ જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સૌથી મોટું સાધન છે, જ્યારે વ્યસન વ્યક્તિ અને સમાજના પતનનું કારણ બને છે. તેમણે યુવાપેઢીને વ્યસનમુક્ત રહી શિક્ષણ, સંસ્કાર અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આગળ વધવા અપીલ કરી હતી. સાથે જ સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજો અને બિનજરૂરી ખર્ચાઓનો ત્યાગ કરીને એકતા અને વિકાસનો માર્ગ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં માલદેવ બાપુના પરિવારજનો, ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ, માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, મહેર શક્તિ સેના, મહેર હિત રક્ષક સમિતિ, બરડા વિકાસ સમિતિ, ઘેડ સામાજિક વિકાસ સમિતિ, મહેર મહિલા વિકાસ મંડળ સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે આયોજક સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ જ્ઞાતિજનો અને ઉપસ્થિત મહાનુભાવોની આભારવિધિ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati