
ભાવનગર, 27 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લામાં વન્યપ્રાણીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના બોરડી ગામના વાડી વિસ્તારમાં ઈલેક્ટ્રિક શોક લાગતાં એક સિંહણનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મકાઈના પાકને જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ગેરકાયદેસર રીતે વીજપ્રવાહ છોડવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
બનાવની જાણ થતાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતા વાઈલ્ડલાઈફ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી રહી છે. સિંહણના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ગેબર સેન્ટર ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે બોરડી સહિત મહુવા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીઓની અવરજવર જોવા મળે છે. આવી સ્થિતિમાં ખેતીના પાકને બચાવવા માટે ગેરકાયદેસર રીતે ઈલેક્ટ્રિક શોક લગાવવો વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ ઘટનાએ વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે. જે વિસ્તારોમાં સિંહો અને અન્ય વન્યપ્રાણીઓની સતત અવરજવર રહેતી હોય ત્યાં ગેરકાયદેસર વીજવાડની પ્રવૃત્તિ રોકવા માટે વન વિભાગ દ્વારા કેટલી તકેદારી રાખવામાં આવી રહી હતી તે તપાસનો વિષય બન્યો છે.
હવે વન વિભાગ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ અને આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

