Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મણિપુરમાં હથિયારોનો મોટો જથ્થો જપ્ત, ઉગ્રવાદી કેડરની ધરપકડ

મણિપુરમાં હથિયારોનો મોટો જથ્થો જપ્ત, ઉગ્રવાદી કેડરની ધરપકડ

ઇમ્ફાલ, નવી દિલ્હી,04 જૂન (હિ.સ.) મણિપુરમાં સુરક્ષા દળો અને પોલીસ દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન ચલાવવામાં આવેલા અલગ-અલગ અભિયાનોમાં મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનોના સક્રિય કેડરોની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યક્તિને શંકાસ્પદ પ્રતિબંધિત દવાઓ સાથે પકડવામાં આવ્યો છે.

ગુરુવારે આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, સુરક્ષા દળોએ 03 જૂનના રોજ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ઇરિલબુંગ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ઝૂંપડી જેવા ઠેકાણા પર તલાશી અભિયાન ચલાવીને, બે એકે રાઇફલ, એક એસએલઆર રાઇફલ, એક 9 એમએમ કાર્બાઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, ત્રણ મેગેઝીન તથા વિવિધ કેલિબરના 42 રાઉન્ડ દારૂગોળો જપ્ત કર્યા હતા.

તે જ દિવસે એક અન્ય અભિયાનમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના લામલાઇ પોલીસ સ્ટેશન વિસ્તારના, સાવોમ્બુંગ ખુનજાઓ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીકથી પ્રતિબંધિત સંગઠન પ્રીપાકના સક્રિય કેડર થાંગજામ નંગબા મૈતેઈ ઉર્ફે ઇનાઓ ઉર્ફે લીશાબી (23) ની ધરપકડ કરવામાં આવી. તેના કબજામાંથી, એક ચાર પૈડાવાળું વાહન તથા અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી.

જ્યારે, ચંદેલ જિલ્લાના મોલચામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાંગતુંગ ગામ નજીક, સીમા સ્તંભ સંખ્યા-67 ની આસપાસ ચલાવવામાં આવેલા અભિયાનમાં કેસીપી, કેવાયકેએલ અને પ્રીપાક સંગઠનોના ચાર સક્રિય કેડરોની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓની ઓળખ મયાંગલામ્બમ ગાંધી સિંહ, લાંગપોકલાકપમ સુશીલ સિંહ, લૈતોંજામ કાન્હેઇયા સિંહ તથા કાંગજામ નરેશ મૈતેઈ તરીકે થઈ છે.

એક અન્ય કાર્યવાહીમાં મણિપુર પોલીસે થૌબલ જિલ્લાના લિલોંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા, લિલોંગ ડેમ પાસે તલાશી અને તપાસ અભિયાન દરમિયાન એમએમ વારિશ (33) નામના વ્યક્તિની ધરપકડ કરી. તેની પાસેથી 115 ગ્રામ વજનની શંકાસ્પદ એસપી (સેરાટિઓપેપ્ટિડેસ) કેપ્સ્યુલની 18 સ્ટ્રીપ તથા એક ટુ-વ્હીલર વાહન જપ્ત કરવામાં આવ્યું.

સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે, રાજ્યમાં ઉગ્રવાદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે અભિયાનો સતત ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિન્દ રાય

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati