Dailyhunt
મોંઘવારીનો ઝટકોઃ હવે અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો,રિક્ષા ભાડું વધશે

મોંઘવારીનો ઝટકોઃ હવે અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો,રિક્ષા ભાડું વધશે

- અમદાવાદમાં ભાવ વધીને 83ને પાર

અમદાવાદ,03 એપ્રિલ (હિ.સ.) અદાણી ટોટલ ગેસે CNGના ભાવમાં 1.50 રૂપિયાનો કર્યો વધારો, નાયરા અને શેલ જેવી કંપનીઓ દ્વારા તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરવામાં આવેલા વધારા બાદ હવે અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

અદાણી CNGના ભાવમાં આજે (3 એપ્રિલ) પ્રતિ કિલોએ 1.50નો તોતિંગ વધારો ઝીંકાયો છે.

સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG રૂ. 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા થયો છે.

આ પહેલાં ફેબ્રુઆરી, 2026માં 50 પૈસા વધાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અદાણીના CNG પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે.

આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તે બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો.

આ ભાવવધારાથી રિક્ષાચાલકો પર મોટી મુસીબત આવશે, કારણ કે 2025 બાદ હવે 2026નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. 2025માં અદાણી CNGમાં ચાર વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. 2025માં ચાર વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો. તો 2026ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને બે વારના વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે.

ઇરાનમાં આવેલી સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો પીએનજી તરફ વળી રહ્યા છે.કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં હવે અદાણી સીએનજીનો ભાવવધારો કમરતોડ સાબિત થઈ શકે છે. આ સ્થિતિ વચ્ચે હવે લોકોને 1 એપ્રિલથી અનેક વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે.

અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી CNGમાં ધીમે-ધીમે ઘણો બધો ભાવ વધારો થયો છે, જેની સીધી અસર રિક્ષાચાલકો પર પડી રહી છે. રિક્ષાચાલકોની મુખ્ય આજીવિકા CNG પર નિર્ભર છે અને એક રૂપિયાનો પણ વધારો થાય તો કેટલી મુસીબત ઊભી થાય તે અમેજ જાણીએ છીએ. આ ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.

વધુમાં વિજય મકવાણાએ ઉમેર્યું કે, રાતોરાત થતો ભાવ વધારો રિક્ષાચાલકો માટે કમરતોડ સાબિત થાય છે. દરરોજ ચારથી પાંચ કિલ્લો ગેસનો વપરાશ એક રિક્ષાચાલક કરતો હોય છે, જેથી એક રૂપિયાનો પણ ભાવ વધારો રિક્ષાચાલકો માટે કમર તોડ સાબિત થાય છે. અમારી માગણી છે કે, રિક્ષાચાલકોને રાહત આપવા ભાવ વધારો પરત ખેંચવામાં આવે.

આ વધારો મુખ્યત્વે વૈશ્વિક ગેસ કટોકટી અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે ઊભી થયેલી સપ્લાય અસ્થિરતા સાથે જોડાયેલો છે.

આ વધારાની અસર માત્ર અદાણી ટોટલ ગેસમાં ગેસ ભરાવતા વાહનચાલકો પર જ પડશે. આપને જણાવી દઈએ કે, ગુજરાત ગેસ લિમિટેડે હજુ સુધી CNGના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગુજરાત ગેસના CNGના ભાવ 1 ઓગસ્ટ, 2025થી સ્થિર છે અને તેમાં કોઈ વધારો અથવા ઘટાડો નથી થયો. અત્યારે ગુજરાત ગેસના CNGનો ભાવ 80.26 પ્રતિ કિલોગ્રામ છે.

CNG વાપરતા ઓટો-રિક્ષા, ટેક્સી અને અન્ય વાહનોના માલિકો માટે આ વધારો વધારાનો ખર્ચ ઉમેરશે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં રોજિંદા ઉપયોગમાં લેવાતા લાખો વાહનો CNG પર આધારિત છે. જોકે, ગુજરાત ગેસના સ્ટેશન પર ભાવ સ્થિર રહેવાથી કેટલાક વપરાશકર્તાઓ તે તરફ વળી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati