Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મુંદ્રા નજીક કરોડોના ઓઈલ ચોરી રેકેટનો પર્દાફાશ: SMCની મેગા રેડમાં રૂ. 4.34 કરોડનો મુદ્દામાલ જપ્ત, 11 ઝડપાયા, મુખ્ય સૂત્રધાર સહિત 5 વોન્ટેડ

મુંદ્રા નજીક કરોડોના ઓઈલ ચોરી રેકેટનો પર્દાફાશ: SMCની મેગા રેડમાં રૂ. 4.34 કરોડનો મુદ્દામાલ જપ્ત, 11 ઝડપાયા, મુખ્ય સૂત્રધાર સહિત 5 વોન્ટેડ

કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) કચ્છના મુંદ્રા તાલુકાના રતાડિયા (ગણેશવાલા) સીમ વિસ્તારમાં રાજ્યની સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરે ગત મોડી સાંજે ઓઈલ ચોરીના સુનિયોજિત રેકેટનો પર્દાફાશ કરતાં રૂ. 4,34,52,635ના મુદ્દામાલ સાથે 11 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મોકા ટોલ પ્લાઝાથી મુંદ્રા તરફ જતાં હાઈવે પર શિવમ હોટેલ નજીક અને 66 કે.વી. પાત્રી-મુંદ્રા લાઈન નંબર-52 નીચે આવેલા ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્થળ પરથી છ ઓઈલ ટેન્કરો, અંદાજે 2,05,170 કિલોગ્રામ ઓઈલ, ચોરી કરીને અલગ કાઢવામાં આવેલ 1,465 કિલોગ્રામ ઓઈલ, 10 મોબાઈલ ફોન, એક હીરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ, પ્લાસ્ટિક અને લોખંડના બેરલ, કેરબોય, ઇલેક્ટ્રિક મોટર, પાઇપો, ઇલેક્ટ્રોનિક વજન કાંટો સહિત ચોરીની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો તેમજ ટેન્કરોના દસ્તાવેજો અને બિલ્ટીઓ જપ્ત કરવામાં આવી હતી.

આ કેસમાં પોલીસે રાજેશકુમાર રામવીરસિંહ રાજપૂત, અવનીશ રામશંકર કશ્યપ (રાજપૂત), ચંદ્રિકા ભોલાદા પાંડે, વિક્રમસિંહ ભાવરસિંહ ભટ્ટી, વિકાસકુમાર જયનારાયણ મહેતા, શિવકુમાર રાજારામ પાસવાન, શક્તાભાઈ માશાભાઈ મુંધવા, અરુણ મુના ઉરાંવ, શનિકુમાર બંગાળી પ્રસાદ મહેતા, આકાશકુમાર રાજારામ યાદવ અને પ્રભાત ભૂષણસિંહ સભાપતિ સિંહની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં મજૂરો, ટેન્કર ડ્રાઈવરો અને ક્લીનરોનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક આરોપીઓ સ્થળ પર બનાવેલા કન્ટેનરોમાં રહીને ઓઈલ ચોરીની કામગીરી સંચાલિત કરતા હતા, જ્યારે કેટલાક ટેન્કરો મારફતે કંડલા અને મુંદ્રા વચ્ચે અવરજવર કરતા હતા.

પોલીસે આ કેસમાં આદિપુરના અબ્દુલ ગફુરભાઈ અહેમદ હાલેપોત્રાને મુખ્ય વોન્ટેડ આરોપી જાહેર કર્યો છે. ઉપરાંત અંજારના પંકજભાઈ, અંજારના ધ્રુવરાજસિંહ પ્રધ્યુમનસિંહ જેઠવા, મુંદ્રા તાલુકાના વોવર ગામના ગોપાલ લાગાભાઈ ગઢવી તથા ભીમાસરના હરભમ રબારીને પણ ફરાર આરોપી જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.

સમગ્ર મામલે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2), 306, 316(3), 317(1)(2), 61(2) અને 111(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઓઈલ ચોરીના આ સંગઠિત નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ તેમજ ચોરીનું ઓઈલ ક્યાં વેચવામાં આવતું હતું તે સહિતની તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કચ્છ જિલ્લામાં ઓઈલ ચોરીના ગેરકાયદેસર કારોબાર સામે થયેલી આ કાર્યવાહી સૌથી મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati