Dailyhunt
નંદાસણમાં રોડ સેફ્ટી અભિયાન: શાળા અને બસ સ્ટેન્ડ પર જાગૃતિ કાર્યક્રમ

નંદાસણમાં રોડ સેફ્ટી અભિયાન: શાળા અને બસ સ્ટેન્ડ પર જાગૃતિ કાર્યક્રમ

મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.)

રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત મહેસાણા આરટીઓ ટીમ દ્વારા આજ રોજ નંદાસણ ખાતે વ્યાપક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નંદાસણ પ્રાથમિક કુમાર શાળા ખાતે વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો, રોડ ક્રોસ કરવાની યોગ્ય રીત, હેલ્મેટ અને સીટબેલ્ટના મહત્વ વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આરટીઓ ટીમ દ્વારા નંદાસણ બસ સ્ટેન્ડ પર આવતા રાહદારીઓ અને રિક્ષા ડ્રાઇવરોને પણ માર્ગ સલામતી અંગે માહિતીગાર કરવામાં આવ્યા હતા. વાહન ચલાવતા સમયે નિયમોનું પાલન કરવું, વધુ ઝડપ ટાળવી, નશામાં વાહન ન ચલાવવું અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું જેવી બાબતો અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લોકોમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધે અને અકસ્માતોની સંખ્યા ઘટે તે હેતુસર આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે.

આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati