

- રાજ્યપાલની અધ્યક્ષતામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ
ગાંધીનગર, 07 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર અને કૃષિ ક્ષેત્રે થઈ રહેલા વ્યાપક સુધારાઓ તેમજ આદિજાતિ માટેની વિવિધ યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ તેઓના સર્વાંગી વિકાસ માટેની વ્યૂહ રચના માટે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આદિજાતિ વિસ્તારના બાળકોને શિક્ષણ મળે તે બાબતને પ્રાથમિકતા આપવા ભાર મુક્યો હતો. આદિજાતિ વિસ્તારોમાં ખેતી કરતા લોકોને પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે તેમજ કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે બજાર-હાટની વ્યવસ્થા કરવા પણ અનુરોધ કર્યો હતો. આદિજાતિ વિસ્તારના લોકો પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે, આથી તેઓને સ્વસ્થ પશુધન આપવામાં આવે તો તેઓ દૂધનો વ્યવસાય પણ કરી શકશે તે માટે સંબંધિત અધિકારીઓને રાજ્યપાલશ્રીએ સૂચન કર્યુ હતું.
આ ઉપરાંત રાજ્યપાલએ આદિજાતિ વિસ્તારમાં રહેતા યુવાનોમાં વ્યસનમુક્તિ અંગે જાગરૂકતા, કલા કૌશલ્યનો વિકાસ, ખેલ તેમજ યોગમાં આગળ વધારવા માટે યોગ્ય તાલીમ સહિતની વ્યવસ્થા કરવા નિર્દેશો કર્યા હતા.
આ તકે રાજ્યપાલએ આદિજાતિ વિભાગ દ્વારા આદિજાતિઓના ઉત્કર્ષ માટે કરવામાં આવેલ કાર્યોની પ્રશંસા કરી હતી. રાજ્યપાલએ 'નર સેવા જ નારાયણ સેવા છે' તેમ જણાવી આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવા, વિકાસ કામોના નિરીક્ષણ માટે ટીમની રચના કરવા તેમજ સંબંધિત અધિકારીઓને આદિજાતિ વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ તેઓના પ્રશ્નોના નિરાકરણ માટે તત્પરતા દાખવવા સહિતની જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિભાગના નિયામક આશિષ કુમારે આદિજાતિ વિસ્તારોમાં ચાલતી દૂધ સંજીવની યોજના, પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય યોજના, આશ્રમ શાળા, બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના, ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન, પ્રી મેટ્રિક તેમજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના, પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય અભિયાન, મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના, નિઃશુલ્ક ચિકિત્સા સહાય, જનજાતિય કલ્યાણ યોજના સહિતની યોજનાઓની વિગતોની જાણકારી આપીને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ વિશે પણ ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે, ગુજરાતમાં આદિજાતિ જનસંખ્યા 89.17 લાખ છે, જે રાજ્યની કુલ વસ્તીના 14.8% જેટલી છે. દેશની કુલ આદિજાતિ વસ્તીના 8.1% લોકો ગુજરાતના 14 જિલ્લાના 5,884 ગામોમાં વસવાટ કરે છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી. બરંડા, લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ એ.કે.પાંડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા તમામ આદિજાતિ જિલ્લાઓના પ્રાયોજના વહીવટીદારો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

