
નવસારી, 03 જુલાઈ (હિ.સ.) ગુજરાતમાં મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ નવસારી જિલ્લાના ચીખલીમાં માત્ર ચાર કલાકમાં 8.03 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે વલસાડમાં 6.89 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 39 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ચીખલીમાં સૌથી વધુ 8.03 ઈંચ, વલસાડમાં 6.89 ઈંચ અને ડાંગ જિલ્લામાં 5.04 ઈંચ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મધરાતે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. રાત્રે 2થી 4 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં અંદાજે 8 ઈંચ વરસાદ વરસતા શહેર અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે 6થી 8 વાગ્યાના બે કલાકમાં જ વલસાડ તાલુકામાં 6.10 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ડાંગ તાલુકામાં 3.11 ઈંચ અને નવસારીના ગણદેવીમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો હતો. શરૂઆતના બે કલાકમાં 29 તાલુકામાં મેઘમહેર થઈ હતી, જ્યારે સવારે 10 વાગ્યા સુધીમાં આ આંકડો વધીને 39 તાલુકા સુધી પહોંચ્યો હતો.
હવામાન વિભાગે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

