Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પારડીના ઓરવડથી દમણ જવા નીકળેલો યુવક રહસ્યમય રીતે ગુમ, એક મહિનાથી પરિવાર ચિંતામાં

પારડીના ઓરવડથી દમણ જવા નીકળેલો યુવક રહસ્યમય રીતે ગુમ, એક મહિનાથી પરિવાર ચિંતામાં

વલસાડ, 05 ઓગસ્ટ (હિ.સ.) : પારડી તાલુકાના ઓરવાડ ગામે આવેલી શુભ એવેન્યુ સોસાયટી, માણેકનગર ખાતે પોતાના મામા પ્રકાશભાઈ બાલુભાઈ પટેલના ઘરે રહેતા પ્રજ્જવલ પટેલ તા. ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ સવારે અંદાજે ૧૧:૩૦ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેમની કોઈ ભાળ ન મળતાં પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા છે.

મળતી માહિતી મુજબ, પ્રજ્જવલ પટેલ ઘરેથી નીકળતી વખતે પરિવારને જણાવ્યું હતું કે તેઓ ટ્રાવેલ્સ અને ટ્રેડિંગના કામકાજ અર્થે દમણ જઈ રહ્યા છે. સામાન્ય રીતે તેઓ કામ પૂર્ણ થયા બાદ થોડા દિવસોમાં ઘરે પરત આવી જતા હતા. જોકે આ વખતે તેઓ ઘરે પરત ફર્યા નથી અને તેમના મોબાઇલ સહિત અન્ય માધ્યમોથી પણ કોઈ સંપર્ક થઈ શક્યો નથી. પરિવારજનો દ્વારા પોતાના સ્તરે સગા-સંબંધીઓ, મિત્રો તથા ઓળખીતાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ માહિતી મળી ન આવતા અંતે પારડી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ગુમ થયેલા પ્રજ્જવલ પટેલ મધ્યમ બાંધાના, શ્યામવર્ણના તથા અંદાજે ૫ ફૂટ ૫ ઈંચ ઊંચાઈ ધરાવે છે. તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે બ્રાઉન રંગની ટી-શર્ટ, બ્લુ રંગનો પેન્ટ અને કાળા રંગના ચપ્પલ પહેરેલા હતા. તેમની ઓળખ અંગેની વિગતો જાહેર કરીને પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પારડી પોલીસે અખબારી યાદી જાહેર કરી લોકોનો સહયોગ માગ્યો છે. જો કોઈ વ્યક્તિને પ્રજ્જવલ પટેલ અંગે કોઈ માહિતી મળે અથવા તેઓ ક્યાંય જોવા મળે તો તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમ નં. ૦૨૬૩૨-૨૫૩૩૩૩ તથા ૦૨૬૩૨-૨૪૨૯૦૦ પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત sp-val@gujarat.gov.in ઈ-મેઈલ પર પણ માહિતી મોકલી શકાય છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ગુમ થયેલા યુવક અંગે મળતી કોઈપણ માહિતી તરત જ પોલીસ સુધી પહોંચાડે, જેથી તેમની સુરક્ષિત શોધખોળ કરવામાં મદદ મળી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati