
પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકાની વોટર વર્ક્સ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભરત મોદીના વયનિવૃત્તિ વિદાયમાન સમારંભનું આયોજન પાલિકા પ્રમુખ ચંદ્રિકા રાવળના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. ભરતભાઈએ નગરપાલિકાની વિવિધ શાખાઓમાં સતત 36 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. સમારંભમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા સહિત કોર્પોરેટરો અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિરોધ પક્ષના કોર્પોરેટરો દીપક પટેલ અને ભરત ભાટીયાએ બુકે, શાલ અને મોમેન્ટો અર્પણ કરી ભરતભાઈને સન્માનપૂર્વક વિદાય આપી હતી. વોટર વર્ક્સ શાખાના ચેરમેન ગૌરવ મોદીએ શ્રીફળ અને સાકર અર્પણ કરી તેમના સુખમય, શાંતિમય અને નિરોગી નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. મોઢ મોદી સમાજના આગેવાનો દ્વારા બહુચર માતાજીની ફોટો પ્રતિમા ભેટ આપવામાં આવી હતી, જ્યારે ચોકસી મહાજન ઝવેરી બજારના પ્રમુખ દિલીપ મોદીએ પણ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
અધ્યક્ષસ્થાનેથી પાલિકા પ્રમુખ ચંદ્રિકા રાવળે ભરત મોદીની 36 વર્ષની સેવાઓને બિરદાવી હતી અને નિવૃત્ત જીવન સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, નગરપાલિકા માટે લાંબા સમય સુધી આપેલી તેમની સેવા પ્રશંસનીય છે. સાથે જ ભવિષ્યમાં પાલિકાને જરૂર પડે ત્યારે પોતાના અનુભવ અને માર્ગદર્શનથી મદદરૂપ બનવા અપીલ કરી હતી. સમારંભમાં નગરપાલિકાના વર્તમાન તથા નિવૃત્ત કર્મચારીઓએ પણ હાજરી આપી ભરતભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

