
પાટણ, 02 જુલાઈ (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા વેરા આકારણી સંબંધિત વાંધા અરજીઓની બે દિવસીય સુનાવણીમાં કુલ 295 અરજીઓ પર વિચારણા કરવામાં આવી હતી. તેમાં પ્રથમ દિવસે વોર્ડ નં. 1થી 8ની 160 અને બીજા દિવસે વોર્ડ નં. 9થી 11ની 135 અરજીઓની સુનાવણી હાથ ધરાઈ હતી.
મિલકત ધારકોએ ભાડવાત રદ-દાખલ, મિલકતનું એકત્રીકરણ, ફરી માપણી તેમજ અન્ય સુધારા સંબંધિત રજૂઆતો કરી હતી.
તમામ અરજીઓ નિયત સમયમર્યાદામાં મળેલી હતી.
સુનાવણી દરમિયાન મોટાભાગની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. કારોબારી ચેરમેન, વેરા શાખાના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહી અરજદારોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
નગરપાલિકાને એપ્રિલથી જૂન દરમિયાન એડવાન્સ વેરા પેટે રૂ. 14.27 કરોડની આવક થઈ છે. હવે જૂન મહિનાથી પાણી અને ડ્રેનેજ વેરાની ચુકવણી પર 20 ટકા નોટિસ ફી લાગુ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

