Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પવનચક્કીઓમાંથી કોપર કેબલ ચોરી કેસમાં મોટો ભેદ ઉકેલાયો: મહિનાઓથી ફરાર આરોપી વાયોર પોલીસના હાથે ઝડપાયો

પવનચક્કીઓમાંથી કોપર કેબલ ચોરી કેસમાં મોટો ભેદ ઉકેલાયો: મહિનાઓથી ફરાર આરોપી વાયોર પોલીસના હાથે ઝડપાયો

કચ્છ, 03 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ કચ્છ જિલ્લાના વાયોર પોલીસને મિલકત સંબંધિત ગુનામાં મહત્વની સફળતા મળી છે. સુઝલોન કંપનીની પવનચક્કીઓમાંથી કોપર કેબલની ચોરીના કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા એક આરોપીને પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ હવે ચોરી થયેલા મુદ્દામાલની ખરીદી કરનાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે પોલીસ વધુ તપાસમાં જોતરાઈ છે.

મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન દરમિયાન વાયોર પોલીસને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.

વાયોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સુઝલોન કંપનીની પાંચ પવનચક્કીઓમાંથી અલગ-અલગ સમયે અને અલગ-અલગ જાડાઈના કોપર કેબલની ચોરી કરવામાં આવી હતી. આ બનાવ અંગે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન આરોપી તરીકે સકુર જુણસ ગજણનું નામ સામે આવ્યું હતું. ગુનામાં સંડોવણી બહાર આવ્યા બાદ તે સતત ફરાર રહ્યો હતો અને પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

દરમિયાન વાયોર પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.આર. ગોહિલને વિશ્વસનીય સૂત્રો મારફતે માહિતી મળી હતી કે આરોપી નલીયાથી વાયોર તરફ આવવાનો છે. બાતમીના આધારે પોલીસ ટીમે કરમટા ચાર રસ્તા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ વ્યક્તિ ત્યાં પહોંચતા પોલીસે તેને ઘેરી લઈને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેની ઓળખ સકુર જુણસ ગજણ, રહે. કોસા, તાલુકો અબડાસા તરીકે થતાં તેને પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરી રહી છે જેથી ચોરી કરાયેલ કોપર કેબલ કોને વેચવામાં આવ્યો હતો, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને સમગ્ર ચોરીના રેકેટ સુધી પહોંચી શકાય. આ દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી વાયોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.આર. ગોહિલના નેતૃત્વ હેઠળ એએસઆઈ રવિન્દ્રસિંહ સોઢા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિક્રમ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ આશીષ દેસાઈની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસની આ કામગીરીથી મિલકત સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહીનો વધુ એક સ્પષ્ટ સંદેશો ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati