Dailyhunt
પોરબંદર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો.

પોરબંદર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો.

પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી એસ. ડી. ધાનાણીએ પોરબંદર જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે વિગતવાર કાર્યક્રમની માહિતી આપી હતી.

કલેકટરએ જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1લી એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરાતની સાથે જ સમગ્ર પોરબંદર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.

ચૂંટણીની મુખ્ય વિગતો આપતા તેમણે જણાવ્યું કે, આગામી 6ઠ્ઠી એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, જેની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11મી એપ્રિલ રહેશે, જ્યારે 13મી એપ્રિલે ફોર્મની ચકાસણી અને 15મી એપ્રિલ સુધીમાં ફોર્મ ખેંચી શકાશે. જિલ્લામાં મતદાન 26મી એપ્રિલ 2026, રવિવારના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે અને 28મી એપ્રિ8લે મતગણતરી હાથ ધરીને 30મી એપ્રિલ સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

જિલ્લામાં યોજાનારી આ ચૂંટણીઓમાં પોરબંદર મહાનગરપાલિકાના 13 વોર્ડની ૫૨ બેઠકો, જિલ્લા પંચાયતની 18 બેઠકો તેમજ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતની કુલ 54 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી જેમાં રાણાવાવ નગરપાલિકામાં વોર્ડ નંબર 6ની ત્રીજી બેઠક પછાત વર્ગ અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6ની ચોથી બેઠક સામાન્ય વર્ગની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાશે.

આંકડાકીય માહિતી આપતા કલેક્ટરએ જણાવ્યું કે, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જિલ્લામાં કુલ 287 મતદાન મથકો પર 2,34,910 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી માટે 200 મતદાન મથકો પર 1,73,163 મતદારો નોંધાયેલા છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોની યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે અને રાજકીય પક્ષોના સૂચનો બાદ 7મી એપ્રિલે આખરી યાદી પ્રસિદ્ધ કરાશે.

વધુમાં, મતદાર યાદી અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખના આગલા દિવસ એટલે કે 10મી એપ્રિલ સુધી નાગરિકો મતદાર યાદીમાં નામ સુધારણા કે ફેરફાર કરાવી શકાશે. જોકે, મહાનગરપાલિકા અને નગરપાલિકાના કિસ્સામાં 1લી એપ્રિલની મધ્યરાત્રિની સ્થિતિએ જે યાદી છે તે જ માન્ય રહેશે.

આચારસંહિતાના ચુસ્ત પાલન માટે રાજકીય પક્ષોને અપીલ કરતા તેમણે જણાવ્યું કે, પ્રચાર દરમિયાન કોઈપણ વ્યક્તિગત ટીકા-ટિપ્પણી ટાળવી અને સભા, સરઘસ કે રેલી માટે સંબંધિત ચૂંટણી અધિકારી (મામલતદાર કે પ્રાંત) ની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. અંતમાં, કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર જોડાઈને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati