
- બંધારણના પુસ્તક સાથે નારા લગાવ્યા, પોલીસે ટીંગાટોળી કરી
અમદાવાદ,02 સપ્ટેમ્બર (હિ.સ.) કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે ઉત્તરાખંડના હલ્દવાનીમાં જાતિ વિરોધી ટિપ્પણી અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ એ અમદાવાદમાં આશ્રમ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંધારણના પુસ્તક સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પોસ્ટર લઈ રસ્તો બ્લોક કરી ભાજપ હાય...
હાય...ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે.
ઉત્તરાખંડના હલ્દવાની સ્થિતિ રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ અલ્લિકાર્જૂન ખડગેની એક જાહેર સભા યોજાઈ હતી. આ સભા બાદ તે મેદાન પર સફાઈ અભિયાન અને ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ યજ્ઞ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ આ શુદ્ધિકરણને મલ્લિકાર્જૂન ખડગેની દલિત જાતિ સાથે જોડી દીધું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ખડગે દલિત હોવાને કારણે ભાજપ-આરએસએસની માનસિકતા હેઠળ આ શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે.
ત્યારબાદ રાહુલ ગાંધીએ ધાર્મિક કાર્યક્રમને રાજકીયરંગ આપ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી રાહુલ ગાંધી સામેની ફરિયાદ પરત લેવા માંગ કરવામાં આવી છે. ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવાની પણ માંગ કરી છે. જો રાહુલ ગાંધી સામે ફરિયાદ રદ નહીં થાય તો આગામી સમગ્ર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સંવિધાન છે તો આપડે બધા છીએ જેથી તેનું પાલન કરો. દલિત સમાજને ન્યાય આપીને રાહુલ ગાંધી સામે જે ફરિયાદ કરવામાં આવી છે તે પરત લેવામાં આવે તેવી માંગ કરીએ છીએ. જેથી સમાન અધિકાર છે તે દરેક નાગરિકને મળે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

