Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

રાજકોટમાં પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો,માથામાં હથોડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી

રાજકોટ,29 મે (હિ.સ.) રાજકોટમાં પતિ-પત્ની વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો,માથામાં હથોડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતાર્યા ની ઘટના સામે આવી છે. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પતિએ માથામાં હથોડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર દિવસમાં હત્યાની આ બીજી ઘટના છે.

મળતી વિગતો અનુસાર, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલી શિવાલિક બિલ્ડિંગના પહેલા માળે ફ્લેટ નંબર 102માં રહેતા અલ્તાફ લાલાણીને 29 મે સવારના સમયે તેમની પત્ની શિલ્પાબેન અલ્તાફ લાલાણી સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન આવેશમાં આવીને અલ્તાફભાઈએ શિલ્પાબેનના માથાના ભાગે હથોડીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં શિલ્પાબેનને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.

યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં ચાર દિવસમાં જ બીજી હત્યાનો બનાવ સામે આવતાં DCP ઝોન-2 રાકેશ દેસાઈ, ઇન્ચાર્જ ACP (પશ્ચિમ વિભાગ) આર.એસ.બારીઆ તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળે પ્રાથમિક તપાસ કરીને મૃતદેહે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફરાર થઈ ગયેલા આરોપી પતિને ઝડપી લેવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં જ ગત 25 મેના રોજ રામાપીર ચોક નજીક આવેલા શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ એક લોહીયાળ ઘટના બની હતી. જેમાં નરાધમ પૌત્ર મોહિત મિયાત્રાએ વહેલી સવારે પોતાના જ સગા દાદા અરજણ મિયાત્રાને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ગુનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પૌત્ર મોહિતને ઝડપી જેલહવાલે કરી દીધો છે, ત્યાં જ આજે વધુ એક પારિવારિક હત્યાનો ગુનો પ્રકાશમાં આવતાં સમગ્ર શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati