Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજુલામાં હાર્ડવેર વેપારી પર જીવલેણ હુમલો, CCTV ફૂટેજ વાયરલ બાદ 4 શખ્સો સામે ગુનો નોંધાયો

રાજુલામાં હાર્ડવેર વેપારી પર જીવલેણ હુમલો, CCTV ફૂટેજ વાયરલ બાદ 4 શખ્સો સામે ગુનો નોંધાયો

અમરેલી, 02 જુલાઈ (હિ.સ.)

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં હાર્ડવેરના વેપારી પર થયેલા હુમલાની ઘટનાએ વેપારી વર્ગમાં ચિંતા ફેલાવી છે. ગ્રાહક સાથે ભાવ મુદ્દે થયેલી બોલાચાલી બાદ ચાર શખ્સોએ વેપારીને રસ્તામાં આંતરી લાકડીઓ વડે માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, હાર્ડવેરની દુકાને પાવડા અને તગારાની ખરીદી દરમિયાન ભાવને લઈને ગ્રાહક અને વેપારી વચ્ચે રકઝક થઈ હતી. બોલાચાલી દરમિયાન ગ્રાહકે વેપારી સાથે ગાળાગાળી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં ગ્રાહક અને તેના સાગરિતોએ વેપારી પર હુમલો કરવાની યોજના બનાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે.

દુકાન બંધ કરીને ઘરે જઈ રહેલા વેપારી કેઝર હથિયારીને રસ્તામાં રોકી ચાર શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલામાં વેપારીને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ફ્રેક્ચર થયું હતું. સ્થાનિક લોકો દોડી આવતા હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત વેપારીને પ્રથમ રાજુલામાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. વેપારી સંગઠનોએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમગ્ર મામલે રાજુલા પોલીસે ફરિયાદના આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે ઇજાગ્રસ્ત વેપારીના ભત્રીજા શબ્બીર હથિયારીએ જણાવ્યું હતું કે, સામાન્ય બોલાચાલી બાદ વેપારી પર આ પ્રકારનો હુમલો કરવો ગંભીર બાબત છે અને આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati