Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઊભડા ગામની બે દિવસીય મુલાકાતે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઊભડા ગામની બે દિવસીય મુલાકાતે

- માંડલ તાલુકાના નાના ઊભડાના ગ્રામજનો દ્વારા રાજ્યપાલશ્રીનું ઉમળકાભેર સ્વાગત

- 32 જાતના 10 હજાર વૃક્ષોનું નાના ઊભડા ગામે વન કવચ ખાતે વાવેતર કરાયું

અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નાના ઊભડા ગામે ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલએ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માઁ કે નામ ૩.૦ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલએ બોરસલી વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી વન કવચ હેઠળ આયુર્વેદિક, ફળાઉ અને ઘટાદાર જેવા 32 જેટલા અલગ-અલગ પ્રજાતિના 10 હજાર રોપાઓનું વાવેતર કરીને પ્રકૃતિ સંવર્ધનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે. આ તકે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક કૃષિનો સંદેશો આપ્યો હતો.

રાજ્યપાલએ ગ્રામજનો અને ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ કરવું એ પરમ પુણ્યનું કાર્ય છે. વૃક્ષોને માત્ર વાવવા પૂરતા સીમિત ન રહેતા, તેમને આગામી ત્રણ વર્ષ સુધી બાળકની જેમ ઉછેરીને જીવંત રાખવા એ આપણી પ્રાથમિક જવાબદારી છે. વૃક્ષ એ સાક્ષાત 'દેવતા' છે, જે પોતાનું સમગ્ર જીવન માનવજાત, પશુ-પક્ષીઓ અને સમગ્ર પ્રકૃતિને અવિરતપણે આપવા માટે સમર્પિત રહે છે વૃક્ષો દ્વારા મળતો પ્રાણવાયુ જ માનવ જીવનનો આધાર છે અને તેના વિના જીવનની કલ્પના પણ શક્ય નથી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે વૈશ્વિક સ્તરે પ્રકૃતિ સાથે થઈ રહેલી છેડછાડના પરિણામે અતિવૃષ્ટિ, પૂર અને ભૂકંપ જેવી પ્રાકૃતિક આપદાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપણા સુખ-દુઃખ કે કુદરતી હોનારતો માટે ઈશ્વર નહીં પરંતુ માનવીના પોતાના કર્મો જવાબદાર છે. તેથી પર્યાવરણના જતન અને ગ્લોબલ વૉર્મિંગ જેવા જોખમોથી બચવા માટે મહત્તમ વૃક્ષારોપણ એ જ એકમાત્ર ઉત્તમ માર્ગ છે

તેમણે આ અભિયાનમાં જોડાનાર તમામ ગ્રામજનો, બહેનો, ભાઈઓ અને વન વિભાગના કર્મચારીઓ પ્રકૃતિ સંવર્ધનનું આ પુણ્યકાર્ય કરીને આવનારી પેઢીઓ માટે જીવનદાતા ગણાવ્યા હતા

આ ઉપરાંત માંડલ તાલુકામાં પધારવા બદલ અને પ્રાકૃતિક કૃષિના અભિયાનને વેગ આપવા બદલ સ્થાનિકોએ રાજ્યપાલનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે રાજ્યપાલએ સ્થાનિક સફાઈકર્મીઓ અને ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સફાઈ બાદ રાજ્યપાલએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આપણે જે ગામમાં રહીએ છીએ તેને સાફ-સુથરું રાખવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. સ્વચ્છતાથી જ સ્વાસ્થ્ય જળવાય છે અને બીમારીઓ દૂર રહે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati