
નવી દિલ્હી, 29 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રીય ખેલ દિવસના અવસર પર શનિવારે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. નેતાઓએ હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા દેશના ખેલ જગતમાં તેમના યોગદાનને યાદ કર્યું.
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેશવાસીઓને રાષ્ટ્રીય ખેલ દિવસની શુભેચ્છાઓ પાઠવી.
તેમણે કહ્યું કે, મેજર ધ્યાનચંદનો મહાન વારસો દેશમાં સંકલ્પ, અનુશાસન અને ઉત્કૃષ્ટતાની ભાવનાને પ્રેરિત કરે છે. તેમણે કહ્યું કે ભારતનું ઝડપથી મજબૂત થતું ખેલ ઇકોસિસ્ટમ (રમતગમતનું પર્યાવરણ) દરેક સ્તરે પ્રતિભાઓને નિખારવાના સંકલ્પને દર્શાવે છે. ભારતીય ખેલાડીઓ વૈશ્વિક મંચ પર સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.
રાધાકૃષ્ણને લોકોને ફિટનેસને પ્રોત્સાહન આપવા, રમતોમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા અને યુવાનોને મહેનત તથા દ્રઢ સંકલ્પ સાથે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરવાનું આહ્વાન કર્યું.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મેજર ધ્યાનચંદને યાદ કરતા કહ્યું કે, તેમની અદ્ભુત પ્રતિભા, અનુશાસન, સમર્પણ અને રાષ્ટ્ર માટે રમવાની ભાવનાએ ભારતીય હોકીને વિશ્વ ફલક પર ગૌરવપૂર્ણ ઓળખ અપાવી. તેમણે કહ્યું કે, 'હોકીના જાદુગર'નો વારસો આજે પણ દેશના કરોડો યુવાનોને પ્રેરણા આપે છે. મેજર ધ્યાનચંદે એ સાબિત કર્યું કે પ્રતિભાને મહેનત, અનુશાસન અને દ્રઢ સંકલ્પ દ્વારા અસાધારણ સિદ્ધિઓમાં બદલી શકાય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, મેજર ધ્યાનચંદે પોતાની અસાધારણ પ્રતિભાના દમ પર ભારતીય હોકીને વિશ્વ સ્તરે નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી. તેમણે કહ્યું કે, મેજર ધ્યાનચંદનું ખેલ કૌશલ્ય એવું હતું કે આખી દુનિયા તેમની હોકીની દીવાની હતી. દેશની સ્વતંત્રતા પહેલાના સમયગાળામાં પણ તેમણે પોતાની રમતથી ભારતનું ગૌરવ વધાર્યું. શાહે તેમના અનુશાસન, પરિશ્રમ અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને ભારતીય ખેલ જગતનો અમૂલ્ય વારસો ગણાવ્યો.
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પણ હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે પદ્મ ભૂષણથી સન્માનિત મેજર ધ્યાનચંદને વિનમ્ર અભિવાદન કર્યું.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, મેજર ધ્યાનચંદની અદ્વિતીય કુશળતા, સમર્પણ અને હોકી પ્રત્યેનો તેમનો પ્રેમ અનેક પેઢીઓના ભારતીયોને પ્રેરિત કરતો રહ્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેલાડીઓને સશક્ત બનાવવા, યુવા પ્રતિભાઓને નિખારવા અને ખેલ સંબંધિત આકાંક્ષાઓને રાષ્ટ્રીય સિદ્ધિઓમાં બદલવા માટે એક મજબૂત ખેલ ઇકોસિસ્ટમ (રમતગમતનું પર્યાવરણ) તૈયાર કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે, મેજર ધ્યાનચંદની અદ્ભુત ખેલ પ્રતિભા, અનુશાસન અને દેશભક્તિએ ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર ગૌરવાન્વિત કર્યું. તેમણે કહ્યું કે મેજર ધ્યાનચંદનું જીવન અને યોગદાન આવનારી પેઢીઓને રમતો પ્રત્યે સમર્પણ અને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપતું રહેશે. તેમણે મહાન હોકી ખેલાડીના વારસાને દેશના ખેલાડીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

