Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

સાંતલપુરના વૌવામાં હિંસક પ્રાણીના હુમલા બાદ સ્થાનિકોમાં ફફડાટ,વન વિભાગનું રાત્રે સર્ચ અને દિવસે ડ્રોન સર્વેલન્સ

પાટણ/સાંતલપુર,01 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં અજ્ઞાત પ્રાણીએ 20 થી વધુ લોકો અને 10થી વધુ પશુઓ પર હુમલો કર્યાની ઘટના બન્યા બાદ વન વિભાગનું રાત્રે સર્ચ અને દિવસે ડ્રોન સર્વેલન્સ કરી રહી છે.

છેલ્લા ત્રણેક દિવસથી હિંસક જંગલી પ્રાણીના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે.બે પશુઓના મોત થયાનો પણ દાવો કરાયો છે.પરિવાર અને પશુઓની સુરક્ષા માટે ફફડી ગયેલા ગામના 200થી વધુ લોકો રાત્રે હાથમાં બંદૂક, ધારીયા, લાકડી, ધોકા અને ટોર્ચ લઈને ગામની ચારેય તરફ પહેરેદારી કરી રહ્યા છે.

જ્યારે ફોરેસ્ટ દ્વારા સર્ચ ઓપરેશન અને ડ્રોન સર્વેલન્સ કરાઈ રહ્યું છે.

સ્થાનિકોના મુજબ, સીમ અને વાડી વિસ્તારમાં જવાનું પણ લોકો ટાળી રહ્યા છે. ગામના સ્થાનિક ના જણાવ્યા પ્રમાણે, પ્રાણીએ આશરે 22 લોકોને અડફેટે લીધા છે અને બે ઢોરને મારી નાખ્યા છે. રાત્રે 100થી 200 જેટલા લોકો ગામની ચારેય તરફ જાગીને પહેરો આપી રહ્યા છે. પ્રાણી ક્યાંથી આવ્યું છે અથવા કોઈએ તેને ક્યાંકથી લાવીને છોડ્યું છે તેવી શંકા પણ વ્યક્ત કરી છે.

ગત રાત્રે ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં પ્રાણી દેખાયું હોવાની વાત સામે આવતા ગામમાં દોડધામ મચી ગઈ હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પ્રાણી અચાનક આવીને લોકો અને પશુઓને બટકા ભરી ઝડપથી ભાગી જાય છે. લોકોના ચહેરા અને હાથના ભાગે હુમલા કરવામાં આવ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં 20થી વધુ લોકોને આ અજ્ઞાત પ્રાણીએ અડફેટે લીધા છે. ઈજાગ્રસ્તોને સાંતલપુર, પાટણ, રાધનપુર, મહેસાણા અને અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની હાલ પણ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ગ્રામજનો રાત્રે ઊંઘ્યા વિના પોતાના પરિવાર અને પશુઓની સુરક્ષા માટે પહેરો આપી રહ્યા છે. યુવાનો અને પશુપાલકો હાથમાં ધોકા, લાકડીઓ તથા ટોર્ચ લઈને ગામના રસ્તાઓ અને ચોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.કેટલાક પરિવારો બાળકોને રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવા દેતા હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે.

વન વિભાગ દ્વારા વૌવા ગામમાં ટીમો તૈનાત કરવામાં આવી છે. આરએફઓ રાજેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે દિવસ દરમિયાન વિસ્તારની તપાસ માટે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ છે. વન વિભાગ દ્વારા ગામ તથા આસપાસના સીમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

હાલ સમગ્ર વિસ્તારમાં વન વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ, સતત ભયના માહોલમાં જીવતા ગ્રામજનોએ રાજ્ય સરકાર અને વન વિભાગ સમક્ષ હિંસક પ્રાણીને તાત્કાલિક શોધી પકડી પાડવાની માંગ કરી છે. ગામમાં ફરી સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ ઊભું થાય તે માટે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વોવા ગામે એકાએક અજાણ્યા પ્રાણી દ્વારા 15થી વધુ ગ્રામજનો પર હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હોવાના બનાવથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ વન્યપ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના પુરાવા મળ્યા નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati