Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો, તંત્ર હાઈ એલર્ટ પર; નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ

શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો, તંત્ર હાઈ એલર્ટ પર; નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ

ભાવનગર, 06 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. તાજા મળતી માહિતી અનુસાર શેત્રુંજી ડેમ તેની કુલ જળસંગ્રહ ક્ષમતાના અંદાજે 90 ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતાં સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર આવી ગયું છે.

ડેમના જળસ્તરમાં સતત વધારો નોંધાતા અધિકારીઓ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો ઉપરવાસમાં વરસાદ યથાવત રહેશે તો ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જોકે, દરવાજા ખોલવા અંગેનો અંતિમ નિર્ણય પાણીની આવક અને જળસ્તરની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શેત્રુંજી નદીના કાંઠા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે.ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક નદી-નાળાઓમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે અને કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati