Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શ્રાવણીયા જુગાર પર પધ્ધર પોલીસનો સપાટો: કોટડા ઉગમણામાં પત્તાની બાજી રમતા 8 શખ્સ ઝડપાયા

શ્રાવણીયા જુગાર પર પધ્ધર પોલીસનો સપાટો: કોટડા ઉગમણામાં પત્તાની બાજી રમતા 8 શખ્સ ઝડપાયા

કચ્છ, 29 ઓગસ્ટ (હિ.સ.) ભુજ તાલુકાના પધ્ધર પોલીસ મથક વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે કાર્યવાહી તેજ બનાવી છે. પધ્ધર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોટડા ઉગમણા ગામમાં દરોડો પાડી પત્તાની રમત રમતા આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઇલ ફોન અને ગંજીપાનાં સહિત કુલ અંદાજે રૂ.1,14,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, કોટડા ઉગમણા ગામમાં કેટલાક લોકો ભેગા થઈ ગંજીપાનાં વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પધ્ધર પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને જોઈ જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી, જોકે પોલીસે ઘેરાબંધી કરીને તમામ આઠ આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસે પકડેલા આરોપીઓમાં કોટડા ઉગમણાના ભાવિક નીતિનભાઈ સોની, હેમેન્દ્ર કિશોરભાઈ પ્રજાપતિ, રાજેન્દ્ર ઉર્ફે રાજુ રતનશી ધોળુ, સામંતસિંહ ડોશુભા જાડેજા, સુરેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, સંદિપગીરી રમેશગીરી ગોસ્વામી અને યશપાલસિંહ શીવુભા જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે અનિલ મણીલાલ ગઢવી ચકાર (કોટડા)નો રહેવાસી હોવાનું પોલીસ નોંધમાં સામે આવ્યું છે.

દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ.64,400ની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત આઠ મોબાઇલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ.50,000 છે, તેમજ 52 ગંજીપાનાં કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.1,14,400 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ મામલે પધ્ધર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જુગારની પ્રવૃત્તિ અંગે પોલીસને બાતમી પહોંચાડવામાં એ.એસ.આઈ. રામસંગજી સોઢા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાર્ગવ ચૌધરી તથા ભરત ચૌધરીની મહત્વની ભૂમિકા રહી હતી. શ્રાવણ માસ દરમિયાન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પધ્ધર પોલીસની આ કાર્યવાહીથી આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati