Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સીઆરપી અને કૃષિ સખીઓ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રેરણાદાયી સંવાદ

સીઆરપી અને કૃષિ સખીઓ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રેરણાદાયી સંવાદ

ભાવનગર, 02 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના સરતાનપર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પૂર્ણ થયા બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભાવનગર તાલુકાના સીઆરપી (કમ્યુનિટી રિસોર્સ પર્સન) અને કૃષિ સખીઓ સાથે આત્મીય તથા પ્રેરણાદાયી સંવાદ યોજ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે સૌને સમર્પિત ભાવથી કાર્ય કરવાની અપીલ કરી હતી.

રાજ્યપાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીનો પ્રચાર માત્ર એક સરકારી જવાબદારી નથી, પરંતુ સમાજને નિરોગી, ઝેરમુક્ત અને સમૃદ્ધ બનાવવાનું એક પુણ્યનું કાર્ય છે. તેમણે કહ્યું કે ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી બહાર લાવી પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનની જરૂર છે. આ કાર્યમાં સીઆરપી અને કૃષિ સખીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

તેમણે સીઆરપી અને કૃષિ સખીઓને ગામેગામ જઈ વધુમાં વધુ ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતીનો સંદેશ પહોંચાડવા, તાલીમ આપવા અને તેમના મનમાં વિશ્વાસ જગાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક નવા ખેડૂતને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો પ્રયાસ રાષ્ટ્રસેવા સમાન છે અને તે દેશના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવશે.

રાજ્યપાલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે, આવકમાં વધારો થશે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. સાથે જ લોકોને ઝેરમુક્ત અને પૌષ્ટિક ખોરાક મળશે, જેના કારણે આરોગ્યમાં સુધારો થશે. પાણી, જમીન અને પર્યાવરણના સંરક્ષણમાં પણ પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ યોગદાન આપશે.

અંતમાં તેમણે સૌને સેવા, સમર્પણ અને નિષ્ઠાના ભાવ સાથે કાર્ય કરીને ઝેરમુક્ત, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા પ્રેરણા આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati