Dailyhunt

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા સમયે માત્ર 5 વ્યક્તિઓ ને પ્રવેશ મળશે.

પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચુંટણીઓ એપ્રિલ-2026 માં પોરબંદર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજુ કરવા સમયે ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોની મોટી સંખ્યા લઇ ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કરવા આવે છે.

જેના કારણે ચૂંટણીના સરળ સંચાલન માટે રાજય ચૂંટણી આયોગની પ્રવર્તમાન સુચનાઓની અમલવારી સુનિશ્ચિત કરવા અંગે પોરબંદર જિલ્લાના અધિકારી જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર ઉમેદવારી પત્રો રજુ કરવા ચૂંટણી અધિકાર કે નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યકિતઓ જ પ્રવેશી શકશે. કોઇપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ચાર થી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી કે નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહી.

તેમજ ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશવું નહિ. ઉપર મુજબની સુચનાઓનો અમલ ઉમેદવાર જયારે તેઓનું ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા ઉપર્યુકત કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત કે કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવાર અથવા આવા કોઇ વ્યકિત દ્વારા ઉકત નિયમોનું ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના પોરબંદર જિલ્લા પોલીસ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

આ હુકમ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 ની જોગવાઇ મુજબ હુકમની તારીખથી તા.30-06-2026 સુધી અમલમાં રહેશે. તેમજ પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચુંટણીઓ એપ્રિલ-2026 હેઠળના વિસ્તારને લાગુ પડશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati