ખાસ ખબર
સુરતમાં બીજેપીના પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા

સુરત, 24 જાન્યુઆરી ( હિ.સ.) : સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચુક્યા છે.આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે.ત્યારે, આ ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાટો આવ્યો છે અને વિવિધ પક્ષોમાં તેના ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયાઓ શરૂ થઇ ગઈ છે.સુરતમાં પણ રવિવાર અને સોમવાર એમ 2 દિવસ માટે બીજેપીના પ્રદેશ નિરીક્ષકો આવ્યા છે.શહેરના 30 વોર્ડમાં 120 ઉમેદવારોની પસંદગી માટે ઉમેદવારોએ રવિવારે પોતાની દાવેદારી રજૂ કરી હતી.
શહેરના વિવિધ 7 સ્થાનો પર 21 નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા હતા.1995થી મનપામાં શાસનની ધુરા સાંભળનાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા માટે આ તમામ સ્થળો પર રવિવારે સવારથી જ કાર્યકર્તાઓ, આગેવાનોએ લાંબી લાઈન લગાવી દીધી હતી. સુરત શહેર બીજેપીના ઉમેદવાર બનવા માટે બીજેપી કાર્યાલય પરથી નોંધાવવા માટે અધધ કહી શકાય તેમ 2700 ફોર્મ લઇ જવામાં આવ્યા છે. ત્યારે, આ સંખ્યા જ બતાવે છે કે બીજેપીમાં ઉમેદવારી કરવા માટે કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે. આટલી મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવવા માટે ફોર્મ ગયા હોઈને તેમને સાંભળવા માટે પ્રદેશ નિરીક્ષકોને પણ ભારે મશક્કત કરવી પડશે.આ 2 દિવસનો સમય પણ ઓછો પડે તેવું લાગી રહ્યું છે.આ ચૂંટણીમાં 55 વર્ષથી વધુ વયનાએ ઉમેદવારી માટે દાવો રજૂ ન કરવો તેવી ટકોર બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરી હોવા છતાં 55 વર્ષથી વધુના ઉમેદવારોએ પણ નિરીક્ષકો સમક્ષ તેમની દાવેદારી નોંધાવી છે અને આવતી કાલે પણ નોંધાવે તેવી સંભાવના છે ત્યારે, હાલ તો મનપાની ચૂંટણીને લઈને હાલ તો બીજેપી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ સાથે ઉત્કંઠા જોવા મળી રહી છે.
હિંદુસ્થાન સમાચાર / ભાવેશ ત્રિવેદી