
સોમનાથ,2 જુલાઈ (હિ.સ.) નવા ઘન કચરા વ્યવસ્થાપન નિયમો (SWM Rules) 2026 અંતર્ગત સૂત્રાપાડા નગરપાલિકા હોલ ખાતે પદાધિકારીઓ, સફાઈ કામદારો અને શહેરીજનો માટે એક દિવસીય ખાસ તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને 'સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર' (SSK) પોર્ટલ પર ડિજિટલ મોનિટરિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ (ભાવનગર ઝોન) ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, વિવિધ સમિતિના ચેરમેનઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર), સેનેટરી ઇન્સ્પેક્ટર્સ, સુપરવાઈઝર્સ, સફાઈ કામદારો તેમજ સ્થાનિક નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ એક દિવસીય તાલીમ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સહભાગીઓને વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલ અને સુનિયોજિત વ્યવસ્થાપન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે SWM રૂલ્સ-2026 નો વિગતવાર પરિચય, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સોંપવામાં આવેલ કાનૂની જવાબદારીઓ, તેમજ સામાન્ય નાગરિકો (Waste Generators) અને મોટા વ્યવસાયિક એકમો (Bulk Waste Generators) દ્વારા કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા અંગેની ફરજો સમજાવવામાં આવી હતી.
અંતમાં, નગરપાલિકા પ્રશાસન દ્વારા સૂત્રાપાડાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના ઘર અને વ્યવસાયના સ્થળેથી જ ભીનો અને સૂકો કચરો અલગ-અલગ આપીને સુત્રાપાડાને સંપૂર્ણ સ્વચ્છ અને સુંદર બનાવવામાં પોતાનો અમૂલ્ય સહયોગ આપે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

