
- મહિલા પર હુમલાની ઘટના બાદ તંત્ર હરકતમાં
- નંદીઓને પકડી ગૌશાળામાં ખસેડાયા, નાગરિકોને સહકાર આપવા અપીલ
ગીર સોમનાથ, 02 જુલાઈ (હિ.સ.) : સુત્રાપાડા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા નંદીઓ અને પશુઓના વધતા ત્રાસને ધ્યાનમાં રાખીને તથા સરકારશની રખડતા પશુ નિયંત્રણ ગાઈડલાઈનના અમલ હેઠળ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ ઝુંબેશ હાથ ધરી રખડતા નંદીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં સુત્રાપાડા શહેરના ઉપલાપાડા વિસ્તારમાં રખડતા નંદીના હુમલામાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી. શહેરમાં રખડતા ઢોરના પ્રશ્ન અંગે પ્રકાશિત થયેલા અહેવાલો બાદ નગરપાલિકા તંત્ર વધુ સક્રિય બન્યું છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા નંદીઓને પકડી સલામત રીતે ગોકુળ ગૌશાળા, આલીદર ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન વોર્ડના સભ્યો, સામાજિક આગેવાનો, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર, સુપરવાઈઝર તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી કામગીરીને સફળ બનાવી હતી.
નગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરી વિસ્તારમાં રખડતા પશુઓના કારણે અકસ્માતો, ટ્રાફિક અવરોધ અને જાહેર જનતાની સુરક્ષાને જોખમ ઊભું થતું હોવાથી આવા બનાવો અટકાવવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કામગીરીના પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો જોવા મળ્યો હોવાનું જણાવાયું છે.
નગરપાલિકાએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે રખડતા પશુઓને પકડવાની કામગીરી દરમિયાન તંત્રને સંપૂર્ણ સહકાર આપે તેમજ પોતાના પશુઓને ખુલ્લા રસ્તા પર ન છોડે. શહેરને સુરક્ષિત, સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા માટે દરેક નાગરિકનો સહયોગ જરૂરી હોવાનું પણ નગરપાલિકા દ્વારા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

