
વડોદરા, 07 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેર નજીક આવેલા તાંદલીયા ગામના બસ સ્ટેન્ડ પાસે આજે અચાનક મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગર રસ્તા નજીક જોવા મળતાં સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
મગર દેખાયાની જાણ થતાં થોડા જ સમયમાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ઘણા લોકોએ સુરક્ષિત અંતરેથી મગરને જોવાનો પ્રયાસ કર્યો, જ્યારે કેટલાક લોકોએ તાત્કાલિક સ્થળ પરથી દૂર ખસી જવાનું પસંદ કર્યું.
ચોમાસાની ઋતુ દરમિયાન નદી, તળાવ અને કેનાલમાંથી મગરો બહાર આવવાની ઘટનાઓ વધતી હોય છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને કારણે વિસ્તારમાં સતત ભયનો માહોલ રહે છે અને ખાસ કરીને બાળકો તથા રાહદારીઓ માટે જોખમ ઊભું થાય છે.
સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી મગરને સુરક્ષિત રીતે પકડીને તેના કુદરતી રહેઠાણમાં છોડવાની માંગ કરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી, પરંતુ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

