Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઉમરાળા ગ્રામ પંચાયતની અનોખી પહેલ: ૭૦થી વધુ યુવાનોને વિનામૂલ્યે પરીક્ષાલક્ષી પુસ્તકોનું વિતરણ

ઉમરાળા ગ્રામ પંચાયતની અનોખી પહેલ: ૭૦થી વધુ યુવાનોને વિનામૂલ્યે પરીક્ષાલક્ષી પુસ્તકોનું વિતરણ

ભાવનગર, 27 ઓગસ્ટ (હિ.સ.)ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી અભ્યાસ સામગ્રી સરળતાથી મળી રહે તે હેતુથી ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ચાર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. પંચાયત દ્વારા શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોને પણ શૈક્ષણિક સહાય આપવામાં આવે છે.

હાલમાં વિવિધ સરકારી વિભાગોમાં ભરતી માટે પરીક્ષાઓ યોજાનાર હોવાથી ઉમરાળા ગામના પરીક્ષાર્થીઓ માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. મુખ્ય સેવિકા, કંડકટર, CCE, વનપાલ, આરોગ્ય કર્મી, FHW, લેબ ટેક્નિશિયન, ગ્રામસેવક સહિતની વિવિધ ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને પરીક્ષાલક્ષી જરૂરી પુસ્તકો અને અભ્યાસ સામગ્રી વિનામૂલ્યે આપવામાં આવી છે.

દરેક યુવાનને પોતાની પસંદગીની એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવેલા પરીક્ષાલક્ષી પુસ્તકો આપવામાં આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો મોંઘા હોવાથી એક સાથે અનેક વિષયનું સાહિત્ય ખરીદવું આર્થિક રીતે મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં કોઈ યુવાનની તૈયારી માત્ર આર્થિક મુશ્કેલીના કારણે ન અટકે તે હેતુથી પંચાયત દ્વારા દર વર્ષે આ પ્રકારની સહાય કરવામાં આવે છે.

ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના જણાવ્યા મુજબ, ચાલુ મહિને જ ગામના ૭૦થી વધુ યુવાનોને વિનામૂલ્યે પરીક્ષાલક્ષી અભ્યાસ સાહિત્ય આપવામાં આવ્યું છે. પુસ્તકો પાછળનો ખર્ચ ગ્રામ પંચાયતના ભંડોળ પર બોજ ન બને તે માટે સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા લોકફાળા સ્વરૂપે આર્થિક સહયોગ આપવામાં આવે છે.

આ પહેલથી યુવાનોને આર્થિક રાહત સાથે ગુણવત્તાયુક્ત અભ્યાસ સામગ્રી મળી રહી છે અને સરકારી નોકરીની તૈયારી માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati