Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડીયા પંથકમાં મેઘરાજાની મહેર, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

વડીયા પંથકમાં મેઘરાજાની મહેર, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

Hindusthan Samachar 3 months ago

અમરેલી,02 જુલાઈ (હિ.સ.)

અમરેલી જિલ્લાના વડીયા પંથકમાં મેઘરાજાએ જોરદાર મહેર વરસાવતા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેતી પર આધારિત ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.

વડીયા શહેરમાં 45 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. બરવાળા બાવળ ગામમાં સૌથી વધુ 50 મીમી વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. ઢૂંઢિયા પીપળીયા ગામમાં 42 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે દેવળકી ગામમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત હનુમાન ખીજડીયા સહિત આસપાસના ગામોમાં પણ સારો વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર હરિયાળો બનવાની આશા જાગી છે.

ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પૂરતું ભેજ ઉપલબ્ધ બન્યું છે, જે મગફળી, કપાસ, તલ સહિતના ખરીફ પાકો માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. અગાઉથી વાવેતર કરનારા ખેડૂતોને પાકના વિકાસમાં મદદ મળશે, જ્યારે હજુ વાવેતર બાકી હોય તેવા ખેડૂતો પણ હવે ખેતીની કામગીરી વધુ ઝડપથી શરૂ કરી શકશે.

વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ક્યાંય કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી. વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બનતા લોકોને ગરમીમાંથી પણ રાહત મળી હતી.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આવો જ વરસાદ યથાવત રહેશે તો ખરીફ પાક માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને ખેડૂતોને સારા ઉત્પાદનની આશા વધુ મજબૂત બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati