Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડોદરા: કરોડિયાના જય અંબે નગરમાં જળબંબાકાર, ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશો ત્રસ્ત

વડોદરા: કરોડિયાના જય અંબે નગરમાં જળબંબાકાર, ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશો ત્રસ્ત

વડોદરા , 04 જુલાઈ (હિ.સ.)વડોદરા શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને વડોદરાના કરોડિયા વિસ્તારમાં આવેલા જય અંબે નગરમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે સમગ્ર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાનસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, માત્ર થોડા કલાકના વરસાદમાં જ સોસાયટીના મુખ્ય માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.

પાણીનું સ્તર એટલું વધી ગયું હતું કે સોસાયટીના અનેક ઘરોમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી પણ ઘૂસી ગયા છે. આના કારણે લોકોની ઘરવખરી, અનાજ અને ઈલેક્ટ્રોનિક સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. નાના બાળકો અને વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પરિવારોએ ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલતી પોલજય અંબે નગરના રહીશોમાં સ્થાનિક તંત્ર અને કોર્પોરેશન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ છે. લાઇન અને કાંસની સફાઈ યોગ્ય રીતે ન થઈ હોવાને કારણે જ આજે આ પરિસ્થિતિ ભોગવવાનો વારો આવ્યો છે.રોગચાળાનો ભય અને વહેલી તકે નિકાલની માંગભરાયેલા ગંદા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અને દુર્ગંધ વધી ગઈ છે, જેનાથી સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચામડીના રોગો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક રહીશોએ માગ કરી છે કે પાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવે અને પંપિંગ મશીન દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી જનજીવન ફરી પાટા પર આવી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati