Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં વિશાળ વૃક્ષ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં વિશાળ વૃક્ષ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

વડોદરા, 06 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત વચ્ચે સલાટવાડા વિસ્તારમાં એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં ગાર્ડન શાખાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષ 2024માં જ કમાટીબાગ ગાર્ડન શાખાને લેખિત અરજી કરીને આ વૃક્ષ જોખમી સ્થિતિમાં હોવાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તેને સમયસર કાપવા અથવા જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

જોકે, આક્ષેપ મુજબ આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી.

વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અવરજવરમાં વિક્ષેપ સર્જાયો હતો. જો ઘટના સમયે કોઈ વ્યક્તિ અથવા વાહન વૃક્ષ નીચે હોત તો ગંભીર જાનહાનિ થઈ શકી હોત તેવી સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી હતી.

સ્થાનિકોનો આક્ષેપ છે કે ગાર્ડન શાખામાં અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં વિવિધ કારણો દર્શાવી કાર્યવાહી ટાળવામાં આવી હતી. હવે વૃક્ષ ધરાશાયી થયા બાદ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિકોએ માંગ કરી છે કે શહેરમાં જોખમી બની ગયેલા વૃક્ષોનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને સમયસર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati