


વડોદરા, 07 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ભારે વરસાદના કારણે બાજવા-છાણી નાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા, જ્યારે લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નાળામાં પાણી ભરાવાને કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.
પરિણામે અનેક લોકોને જોખમ વચ્ચે રેલવે ટ્રેક પરથી પસાર થવાની ફરજ પડી હતી. વરસાદી પાણીના કારણે રોજિંદા જીવન પર પણ અસર જોવા મળી હતી.
પ્રથમ જ વરસાદમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ફરી એકવાર અનેક સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો શરૂઆતના વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાય, તો ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે તે અંગે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. તેમણે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

